બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી બટાકામાં વારંવાર મંદીના કારણે અનેક ખેડૂતો અને વેપારીઓને મોટું નુકસાન થયું છે તેમાંથી કોલ્ડ સ્ટોરેજના માલિકો પણ બાકાત રહ્યા નથી. આ કોલ્ડ સ્ટોરેજ માલિકોના લોન ખાતા એન પીએ થતા બેન્કો દ્વારા હવે કોલ્ડ સ્ટોરેજ સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પરંતુ આ વર્ષે બટાકાનું મબલખ ઉત્પાદન થતા મોટા ભાગના કોલ્ડ સ્ટોરેજ હાઉસ ફૂલ થઈ ગયા છે જ્યારે બીજી તરફ જે સ્ટોરમાં બટાટા મૂકવામાં આવ્યા છે એવા કેટલાકને કોલ્ડ સ્ટોરેજને બેંક દ્વારા સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવશે…
માહિતી મળતા સ્ટોરેજમાં જે ખેડૂતોના બટાટા પડ્યા છે તેવા ખેડૂતો ચિંતામાં મુકાયા છે, એક તરફ વારંવાર મંદીને કારણે ખેડૂતોને મોટુ નુકસાન થયું છે તો બીજી તરફ હવે સ્ટોરેજ માં બટાટા પડ્યા હોય અને બેંક દ્વારા કાર્યવાહી કરવામાં આવે તો ખેડૂતોને પડતા પર પાટુ જેવો ઘાટ થાય તેવી સ્થિતિ સર્જાશે. વળી અત્યારે ગરમીની સિઝનમાં અને જો બટાટા એક સ્ટોરમાંથી બીજા સ્ટોરમાં ટ્રાન્સફર કરવામાં આવે તો પણ બટાટા બગડી જવાની સંભાવના વધી જાય છે તેવામાં એન પી એ થયેલા સ્ટોર માલિકોને રાહત આપવામાં આવે અને ડિસેમ્બર મહિના સુધી તેમની સામે કાર્યવાહી અટકાવવામાં આવે તેવી માંગ સાથે આજે ખેડૂતોએ નાયબ કલેકટર ને આવેદન પત્ર આપ્યું હતું