ગુજરાત રાજ્યને અડીને આવેલા રાજસ્થાનના એક માત્ર પર્યટક સ્થળ માઉન્ટ આબુમાં દિવાળીના મીની વેકેશન દરમિયાન પર્યટકો ઉમટ્યા હતા જેમાં ગુજરાત રાજ્યને નજીક હોવાથી ગુજરાતના લોકો માઉન્ટઆબુ ફરવા માટે પ્રથમ પસંદગી કરતા હોવાથી સૌથી વધુ ગુજરાતના સહેલાણીઓ જોવા મળ્યા હતા.
જોકે પર્યટકોને હોટલ, ગેસ્ટ હાઉસ સહિત વાહન પાર્કિગમાં સહેલાણીઓ પાસેથી વધુ રકમ વસૂલવામાં આવતી હોવાની રાડ ઉઠી છે. પર્યટક વિભાગ દ્વારા સહેલાણીઓને આવકારવા માટે શહેરને રોશનીથી શણગારવામાં આવ્યું હતું. માઉન્ટઆબુ નગરપાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું કે પર્યટકો અંદાજે ૧૨ હજાર વાહનોમાં ઉમટ્યા હતા જેના લીધે તંત્રને રૂપિયા ૧૪ લાખ જેટલી આવક થઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે માઉન્ટ આબુમાં વાહન પાર્કિગ માટે રૂ.૫૦ રાખવામાં આવ્યા હતા અને રૂ. ૫૦ની પાવતી આપી વધુ રકમ વસૂલવામાં આવતી હોવાની રાડ એસડીએમ સુધી પહોંચતા એસડીએમ રવિન્દ્ર કુમાર ગૌસ્વામીએ પાર્કિગ વ્યવસ્થા જળવાય તે માટે ભાવનું બોડ પણ લગાવ્યું હતું.