ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડની પાલનપુર અને ડીસા ખાતે નવનિર્મિત કચેરીનું નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઇ દેસાઈના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. પાલનપુર વર્તુળ કચેરી અને વિભાગીય કચેરીના મકાન રૂ. ૧૬૪.૩૨ લાખના ખર્ચે તથા ડીસા વિભાગીય કચેરી- ૧ અને ૨, લેબોરેટરી, સ્ટોર બિલ્ડીંગના રૂ. ૪૮૬.૧૩ લાખના ખર્ચે તૈયાર થઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જિલ્લો રાજ્યની ઉત્તર સરહદે આવેલો છેવાડાનો જિલ્લો છે કે જે રાજસ્થાનની સરહદ સાથે તેમજ પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ સાથે જોડાયેલો છે.
કુલ- ૧૨૩૭ ગામો અને ૬ શહેરી વિસ્તાર ધરાવતી પાલનપુર વર્તુળ કચેરી દ્વારા ૧૭૫ સબ સ્ટેશનમાંથી કુલ- ૧૯૮૯ ફીડરો દ્વારા અને ૧,૩૫,૬૧૯ ટ્રાન્સફોર્મર સેન્ટર દ્વારા કુલ- ૯,૩૭,૫૮૯ જેટલા વીજ ગ્રાહકોને વીજપુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં કુલ-૧,૫૪,૪૬૨ જેટલાં ખેતીવાડી વીજ જોડાણો કાર્યરત છે જે જિલ્લાના કુલ વપરાશનો ૮૦ ટકા હિસ્સો ધરાવે છે.
આ પ્રસંગે રાજ્યસભા સાંસદશ્રી દિનેશભાઇ અનાવાડીયા, પૂર્વ કેન્દ્રીય રાજ્ય મંત્રીશ્રી હરીભાઇ ચૌધરી, પૂર્વ મંત્રીશ્રીઓ સર્વશ્રી કેશાજી ચૌહાણ, શ્રી હરજીવનભાઇ પટેલ અને શ્રી કાંતિભાઇ કચોરીયા, અગ્રણીશ્રી ગુમાનસિંહ ચાૈહાણ, કલેક્ટરશ્રી આનંદ પટેલ, UGVCLના એમ.ડી.શ્રી પ્રભવ જોષી, મુખ્ય ઇજનેરશ્રી એલ.એ.ગઢવી, અધિક્ષક ઇજનેરશ્રી આઇ.જી.કટારા સહિત અધિકારીઓ- પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા