બનાસકાંઠા જિલ્લામાં કોરોનાનો કહેર હજી પણ યથાવત જોવા મળી રહ્યો છે. છેલ્લા 10 દિવસમાં 950થી વધુ કોરોનાના કેસો સામે આવ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં સતત વધતા જતા કોરોનાના સંક્રમણ વચ્ચે જિલ્લા કલેક્ટર દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં કોવિડ માન્યતા પ્રાપ્ત ખાનગી હોસ્પિટલોને રેમેડેસિવિર ઈન્જેક્શન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર દ્વારા ફિજીશિયનો સાથે બેઠક કરવામાં આવી હતી.
આ બેઠકમાં સારવાર લેનાર કોરોનાના દર્દીના પરિજનો જો ડોક્ટરનું ભલામણપત્ર, આરટીપીસીઆર ટેસ્ટ, દર્દીની કેસ હિસ્ટ્રી સહિતની વિગત સાથે પાલનપુર સિવિલમાંથી રેમડેસિવિર ઈન્જેક્શન મેળવી શકશે. રેમડેસિવિર ઈન્જેક્શન ખાસ જરૂરિયાત હોય તેવા જ કોરોનાના દર્દીની ભલામણ કરવા ઈન્ચાર્જ સિવિલ સર્જન દ્વારા અપીલ કરવામાં આવી છે. જોકે, રેમડેસિવિર ઈન્જેક્શન માટે હાલ સિવિલ હોસ્પિટલ ખાતે લોકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે