રાજ્યભરમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. સામાન્ય માણસથી લઈ રાજકીય નેતાઓ તેમજ વિવિધ ક્ષેત્રોની હસ્તીઓ કોરોનાની ઝપેટમાં આવી રહી છે. ત્યારે ગુજરાતના એસટી વિભાગમાં પણ હવે કોરોનાનો પગપેસારો વધતો જોવા મળી રહ્યો છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં એસટી ડેપોના સ્ટાફના પાંચ ડ્રાઇવર કંડક્ટર કોરોના સંક્રમિત થતા ખળભળાટ મચ્યો છે. મળતી માહિતી મુજબ, ઝઘડિયા તાલુકામાં દિવસે દિવસે કોરોનાનો કહેર વધી રહ્યો છે.
ઝઘડીયા તાલુકા મથકના એસટી ડેપોમાં પણ કોરોનાના પોઝિટિવ કેસ આવ્યા છે. ઝઘડિયા એસટી ડેપોમાં ફરજ બજાવતા ત્રણ કંડક્ટર અને બે ડ્રાઈવર સહિતના સ્ટાફને કોરોના પોઝિટિવ આવતા એસટી ડેપો સંકુલમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ ઉપરાંત ગતરોજ ઝઘડિયા તાલુકાના જેસપોર પી.એચ.સી વિસ્તારમાં પણ એક ઈસમને કોરોના પોઝિટિવ આવ્યો હતો તથા ઝઘડિયા ગામના એક સિનિયર સિટીઝનનુ કોરોનાની સારવાર દરમ્યાન મૃત્યુ થવા પામ્યું હતું.