દાંતામાં કૃષિ વૈવિધ્યકરણ યોજના 2021 ના પ્રારંભ વખતે જ ખાતરમાં માટી નીકળ્યાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે. દાંતા માર્કેટયાર્ડમાં ખાતરને લઈ ખેડૂતોએ હોબાળો કર્યો હતો. જો કે બીજી બાજુ ખાતર વિતરણ કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા પણ ઉડ્યા હતાં. અત્રે મહત્વનું છે કે, રાજ્યના આદિવાસી વિસ્તારમાં રહેતા લોકો માટે ખાતર બિયારણ આપવાની જાહેરાત કરાઇ હતી. તો સાંસદ પરબત પટેલે ગુણવત્તાવાળા ખાતરની ખાતરી આપી હતી.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આદિજાતિ વિસ્તારના વનબંધુ ખેડૂતોના લાભાર્થે કૃષિ વૈવિધ્યકરણ યોજના-૨૦૨૧નો ગાંધીનગરથી વર્ચ્યુઅલ પ્રારંભ કરાવ્યો હતો. રાજ્યના અંબાજીથી ઉમરગામ સુધીની સમગ્ર આદિજાતિ પટ્ટીના ૧૪ આદિજાતિ જિલ્લાના 1 લાખ 26 હજાર જેટલા વનબંધુ ખેડૂતોને રૂ. ૩૧ કરોડની માતબર રકમથી ખાતર-બિયારણ ટૂલ કિટ સહાયનો લાભ આ વર્ષે અપાશે. ત્યારે દાંતામાં કૃષિ વૈવિધ્યકરણ યોજના 2021 ના પ્રારંભ વખતે જ ખાતરમાં માટી નીકળ્યાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે.