બહેરીનના વડાપ્રધાન ખલીફા બિન સલમાન અલ ખલીફાનું બુધવારના રોજ દુખદ નિધન થયુ છે. 84 વર્ષીય બહેરીનના વડાપ્રધાનના નિધન અંગેની જાહેરાત રોયલ કોર્ટ ઓફ બહેરીન દ્વારા કરવામાં આવી છે. સ્થાનિક મીડિયાના જણાવ્યા મુજબ, અમેરિકાના માયો ક્લિનિકલ હોસ્પિટલમાં બુધવારે સવારે શેખ ખલીફાનું નિધન થયુ છે.
નિવેદનમાં જણાવાયુ છે કે, શેખ ખલીફાનો પાર્થિવ દેહ સ્વદેશ પરત લાવવામાં આવ્યા બાદ નજીકના પરિવારના સભ્યોની હાજરીમાં દફનવિધી કરવામાં આવશે. મહત્વનું છે કે, શેખ ખલીફાનો જન્મ 24 નવેમ્બર 1935ના રોજ થયો હતો. તેઓ બહેરીનના શાહી પરિવારમાં સંબંધ ધરાવતા હતા.
તેમણે 1970 બાદથી બહેરીનના વડાપ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યો. 15 ઓગસ્ટ 1971એ બહેરીનની સ્વતંત્રતાના એક વર્ષ પહેલા શેખ ખલીફાએ પદભાર સંભાળ્યો હતો. દુનિયામાં કોઈપણ દેશની સરખામણીમાં સૌથી વધુ સમય સુધી વડાપ્રધાન પદ પર રહેવાનો રેકોર્ડ તેમના નામે છે. તેઓ એક સરળ સ્વભાવના વ્યક્તિત્વ ધરાવતા હતા. તેઓ દરેક ધર્મને આદર આપતા હતા. સાથે જ હિન્દુ ધર્મના સાધુ-સંતો સાથે પણ તેઓ હેતભાવ ધરાવતા હતા.
(BAPSના વડિલ સંતો સાથેની મુલાકાત દરમિયાનની એક તસવીર )
આપને જણાવી દઈએ કે, બહેરીનમાં મોટી સંખ્યામાં ભારતીય લોકો વસવાટ કરે છે. તેમજ બહેરીન એક ગલ્ફ દેશ હોવા છતાં અહીં હિન્દુ મંદિર તેમજ દેવળ પણ આવેલા છે. ઉપરાંત તમામ ધાર્મિક તહેવારો પણ ઉજવવામાં આવે છે.