ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર મળી રહ્યા છે. હાલ રાજ્યમાં કડકડતી ઠંડી પડી રહી છે તેવામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી 10 અને 11 ડિસેમ્બરે છૂટો છવાયો વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે વરસાદની આગાહી કરતા આવતા જગતનો તાત ચિંતામાં સરી પડ્યો છે.
મળતી માહિતી મુજબ, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં 10 અને 11 ડિસેમ્બરે સૌરાષ્ટ્ર સિવાયના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે સોમનાથ, સુરત, ભાવનગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, આણંદમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહીથી ફરીથી ધરતીપુત્રોની ચિંતા વધી ગઈ છે. પહેલા જ કપાસ, મગળફળી, તલ, બાજરીનો મોટો પાક નિષ્ફળ ગયા બાદ હવે શિયાળુ પાક સારો થાય તેવી જગતના તાતને આશા છે. પરંતુ હવામાન વિભાગની આગાહી મુજબ 10 અને 11 ડિસેમ્બરના રોજ જો વરસાદ પડશે તો અન્નદાતા કહેવાતા ખેડૂતોની ચિંતા વધી શકે છે.