રાજ્યમાં એકબાજુ કડકડતી ઠંડી પડી રહી છે ત્યારે વધુ એક વખત હવામાન વિભાગે રાજ્યના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. થોડા દિવસો અગાઉ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો હતો જેના કારણે ખેડૂતોની ચિંતા વધી હતી ત્યારે ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી થતાં ખેડૂતોની ચિંતામાં ફરી વધારો થયો છે.
મળતી માહિતી મુજબ, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં આગામી 48 કલાક દરમિયાન વાદળછાયુ વાતાવરણ સર્જાયેલુ રહેશે અને કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટુ પણ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, દક્ષિણ ગુજરાત પર સિસ્ટમ સક્રિય થશે અને ઉત્તર ગુજરાત તરફ આગળ વધશે. જેના કારણે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં આગામી 48 કલાકમાં કમોસમી વરસાદ પડી શકે છે.
આ પહેલા સાઇક્લોનિક સર્ક્યુલેશન નબળું પડતા રાહત મળશે તેવું પણ લાગી રહ્યું હતું. જોકે હવામાન વિભાગની કમોસમી વરસાદની અગાહીના કારણે ખેડૂતોની ચિંતામાં ફરી વધારો થયો છે.
કમોસમી વરસાદના કારણે ખેડૂતોના શિયાળુ પાકને નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે ચોમાસામાં ભારે વરસાદને પગલે અનેક ખેડૂતોનો પાક બગડી ગયો હતો. હવે શિયાળામાં વારેવારે થઈ રહેલા કમોસમી વરસાદથી ખેડૂતોને બેવડો માર પડી રહ્યો છે.