વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લીધે અયોધ્યાને ચારેય તરફથી સીલ કરી દેવામાં આવ્યુ છે. આ માટે અયોધ્યા સહિત ફૈઝાબાદ શહેરમાં પ્રવેશના બધા માર્ગો પર પહેલા કરાયેલા તૈયારીઓનું મોનીટરીંગ પણ કરવામાં આવી રહ્યું છે.
(File Pic)
અયોધ્યામાં 5 ઓગસ્ટે રામ મંદિરનો શિલાન્યાસ કાર્યક્રમ યોજાવાનો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ કાર્યક્રમમાં હાજરી આપવાના છે. જેના પગલે હવે અયોધ્યાને સીલ કરી દેવામાં આવ્યુ છે. અયોધ્યામાં આજથી પ્રવેશ પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. અયોધ્યામાં સુરક્ષાને પગલે તમામ માર્ગ તથા સરયુ નદીમાં જળમાર્ગ પર પણ દેખરેખ રાખવામાં આવશે. પ્રધાનમંત્રીના આગમન પહેલા અયોધ્યાને ચારેય તરફથી સીલ કરવાની તૈયારી કરવામાં આવી છે.
(File Pic)
મળતી માહિતી મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 ઓગસ્ટે રામમંદિરનું ભૂમિપૂજન કરવા અયોધ્યામાં 3 કલાક સુધી રોકાશે. કાર્યક્રમની વિગત મુજબ, 12:30 વાગ્યે ભૂમિપૂજનનું કાર્ય શરૂ થશે, જે 10 મિનિટ સુધી ચાલશે. ત્યાર બાદ વડાપ્રધાન સમારોહમાં જોડાશે. આ કાર્યક્રમ લગભગ સવા કલાક સુધી ચાલશે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને સોમવારથી અયોધ્યા સીલ કરી દેવાયું છે. કાર્યક્રમની રુપરેખા મુજબ, વડાપ્રધાન મોદી અયોધ્યામાં પારિજાતનો એક છોડ પણ રોપશે.
(File Pic)
ભૂમિપૂજન સમારોહના દેશમાં જીવંત પ્રસારણ માટે દૂરદર્શન અને એએનઆઇના 48થી વધુ અત્યાધુનિક કેમેરા લગાવાયા છે. મહત્વનું છે કે, જન્મભૂમિ પરિસરમાં તૈયાર થનારા મંચ પર પીએમ નરેન્દ્ર મોદી સાથે ખાસ અતિથિના રૂપમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત, શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ નૃત્ય ગોપાલ દાસ, યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ તથા યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હાજર રહેશે.