સુરત શહેરમાં આમ આદમી પાર્ટીના પ્રભારી રામ ધડૂક પર હુમલાની ઘટના સામે આવી છે. કેટલાક શખ્સોએ રામ ધડૂક પર યોગી ચોક સ્થિત કાર્યાલય ખાતે બોલાવીનો માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. રામ ધડૂકે રાજ્યના આરોગ્યપ્રધાનની નિષ્ફળતા અંગે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી.
રામ ધડૂક અને તેમની ટીમ દ્વારા પોસ્ટર થકી આરોગ્યપ્રધાન સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો જેની અદાવત રાખીને આ હુમલો કરાયો હોવાનો આક્ષેપ રામ ધડૂક તેમજ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યો છે. આ મામલે રામધૂડકે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે. આમ આદમી પાર્ટી દ્વારા આ મામલે ભાજપ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, યોગી ચોક ખાતે આવેલી આમ આદમી પાર્ટીની ઓફીસ પર શહેર પ્રભારી રામ ધડુક પર પાંચ અજાણ્યા વ્યક્તિઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. બપોરે બે વાગ્યે રામ ધડૂકને ફોન કરીને અજાણ્યા શખ્સોએ આમ આદમી પાર્ટીમાં જોડાવાનું બહાના હેઠળ પાર્ટી ઓફીસ બોલાવ્યા હતા. રામ ધડુક ઓફીસે આવતા પહેલાથી જ તૈયાર બેઠેલા શખ્સોએ તેના પર હુમલો કરી દીધો હતો. ઢીક્કા પાટુનો માર માર્યો હતો. ઓફીમાં પણ તોડફોડ કરવામાં આવવી હતી. ખુરસી અને ટેબલને નુકસાન પહોંચાડ્યું હતું. રામ ધડુકને મોઢાનાં ભાગે તથા જમણા કાનના ભાગે ગંભીર ઇજા થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.