ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ને લઈને રાજકીય પક્ષો સાબદા થઈ ચૂક્યા છે. ભાજપ, કોંગ્રેસ અને આપના સ્ટાર પ્રચારકોને તૈયાર રાખવામાં આવ્યા છે. તૈયારી જોરશોરથી શરૂ કરી દેવામાં આવી છે. ભાજપે આ વખતે કોંગ્રેસનો ગઢ ગણાતી બેઠકો કબજે કરવા કમર કસી છે. એવામાં પંચમહાલ જિલ્લામાં ભાજપના કાર્યકરો પર હુમલાના સમાચાર સામે આવી રહ્યા છે.
વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષોએ ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. ચૂંટણીને આંગળીના વેઢે ગણી શકાય એટલા જ દિવસો બાકી રહ્યા છે. એવામાં પંચમહાલ જિલ્લાના શહેરાની અણીયાદ ચોક પર બબાલ થઈ છે. અણીયાદ ચોકડી પર ભાજપના કાર્યકરો પર હુમલો કરાયો છે. આ ઉપરાંત ટોળાને વિખેરવા માટે પોલીસે એક રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું હોવાના પણ સમાચાર મળ્યા છે. હાલ કોંગ્રેસના 6 કાર્યકરો સામે નામજોગ અને 50ના ટોળા સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે, રંગીત ગલા પટેલ પર કોંગ્રેસના કાર્યકરો દ્વારા હુમલો કરાયો છે. ભાજપના પ્રચારમા વાહન આપનાર વાહન માલિકને જાનથી મારી નાખવાના ઈરાદે ટોળાએ હુમલો કર્યો અને માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ થયો હતો. સમગ્ર મામલે શહેરા પોલીસ સ્ટેશનમાં 50 લોકોના ટોળા અને 6 વ્યક્તિ સામે નામજોગ ફરિયાદ નોંધાઈ છે. હાલ આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.