મહેસાણા જિલ્લાના વિસનગર માર્કેટયાર્ડમાં કપાસના ઉંચા ભાવમાં છેલ્લા સપ્તાહમાં 200 રૂપિયાથી વધુનો ઉછાળો જોવા મળતાં આગામી સમયમાં કપાસના ભાવ રૂ.3 હજારની સપાટી વટાવી શકે છે તેમ જાણકારો કહી રહ્યા છે. મંગળવારે હરાજીમાં કપાસના ભાવ રૂ.2930 સુધીના બોલાતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.વિસનગર માર્કેટયાર્ડમાં ડિસેમ્બર 2021માં રૂ.2000ની અંદર રહેલા કપાસના ભાવ અત્યારે રૂ.900 સુધી વધી રૂ.2900ની સપાટી વટાવી દીધી છે. જેનો સીધો ફાયદો ખેડૂતોને મળી રહ્યો છે.
વિસનગર માર્કેટયાર્ડમાં કપાસમાં છેલ્લા સપ્તાહમાં રૂ.200નો વધારો થયો છે. જોકે, સામે આવકમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. મંગળવારે 2410 મણ આવક થઇ હતી. સૂત્રો મુજબ, કપાસની સિઝન હજુ જૂન મહિના સુધી ચાલશે. હાલની સ્થિતિ જોતાં મણ કપાસનો ભાવ રૂ.3000ની
સપાટી કૂદાવી શકે છે. ઉલ્લેખનિય છે કે, આ વર્ષે કપાસના ભાવ ખેડૂતોને ધારણાં કરતાં પણ સારાં મળતાં ચહેરા પર આનંદ જોવા મળે છે.