ગુજરાતમાં કોરોનાનો કહેર હજી પણ યથાવત છે. કોરોનાના સંક્રમણને જોતા રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ લાગુ કરવા છતા હજુ કોઈ ખાસ ઘટાડો કોરોનાના કેસમાં જોવા મળ્યો નથી. ત્યારે ગુજરાતના અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં લાગુ કરવામાં આવેલા રાત્રિ કર્ફયૂનો આજે છેલ્લો દિવસ હતો.
જોકે રાત્રિ કર્ફ્યૂને લંબાવવામાં આવ્યું છે. ડીજીપી આશીષ ભાટિયાએ કરેલી પ્રેસ કોન્ફરન્સમાં રાજ્યના ચાર મહાનગરોમાં નાઈટ કર્ફ્યૂ લંબાવવાનો નિર્ણય કર્યો છે. જ્યાં સુધી નવો આદેશ ન આવે ત્યાં સુધી વડોદરા, અમદાવાદ, સુરત અને રાજકોટમાં નાઈટ કર્ફ્યૂ અમલી રહેશે. બીજીબાજુ આવતીકાલે મંગળવારે ભારત બંધની અસર ગુજરાતમાં ન વર્તાય તે માટે પણ રાજ્યના પોલીસવડાએ તમામ પોલીસ સ્ટાફને આદેશ આપ્યા છે. ભારત બંધને જોતા સમગ્ર ગુજરાતમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. સાથે જ ડીજીપીએ પત્રકારોને સંબોધતા જણાવ્યુ હતું કે, કોઈપણ વ્યક્તિ ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરશે તો તેની વિરુદ્ધ કડક કાર્યવાહી થશે. ગુજરાતમાં ક્યાંય પણ ગુજરાત બંધ નથી. ગુજરાતનાં તમામ નાગરિકો રાત્રી કર્ફ્યૂ સિવાલ સરળતાથી પોતાનો વ્યવહાર કરી શકશે.