કથિત દારૂ કૌભાંડમાં ફરી જેલમાં જતા પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જામીન મેળવવા માટે નવો પ્રયાસ કર્યો છે. અરવિંદ કેજરીવાલે નિયમિત જામીન માટે ટ્રાયલ કોર્ટમાં અરજી કરી છે. સુપ્રીમ કોર્ટ તરફથી આંચકો મળ્યા બાદ દિલ્હીના મુખ્યમંત્રીએ રાઉઝ એવન્યુ કોર્ટમાં અરજી દાખલ કરી છે. કેજરીવાલે 2 જૂને આત્મસમર્પણ કરવું પડશે.
દિલ્હીના મુખ્યમંત્રીએ વચગાળાના જામીન સાત દિવસ વધારવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જો કે સુપ્રીમ કોર્ટે તેમની અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો હતો. દેશની સર્વોચ્ચ અદાલતે વેકેશન બેન્ચ સમક્ષ કેજરીવાલની અરજીને સૂચિબદ્ધ કરવાનો ઇનકાર કરતા કહ્યું કે અગાઉના નિર્ણય મુજબ, તે નિયમિત અરજી માટે ટ્રાયલ કોર્ટનો સંપર્ક કરી શકે છે.
કથિત દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં 21 માર્ચે ધરપકડ કરાયેલા આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટે 21 દિવસ માટે વચગાળાના જામીન આપ્યા હતા. કોર્ટે કહ્યું હતું કે તેણે 2 જૂને આત્મસમર્પણ કરવું પડશે અને ફરીથી જેલમાં જવું પડશે. દરમિયાન, સ્વાસ્થ્યના કારણોસર કેજરીવાલે જામીનનો સમયગાળો વધારવાની માંગ કરી હતી. આમ આદમી પાર્ટીએ કહ્યું છે કે તેમની ધરપકડ બાદ કેજરીવાલનું વજન સાત કિલો ઘટી ગયું છે અને તેમના શરીરમાં કીટોનનું સ્તર ઘણું વધી ગયું છે. દિલ્હીના મંત્રી આતિશીના કહેવા પ્રમાણે, તેને કોઈ ગંભીર બીમારીનું લક્ષણ ગણાવીને ડોક્ટરોએ કેટલાક ટેસ્ટ કરાવવાની સલાહ આપી છે.
ઇડીએ ટ્રાયલ કોર્ટમાં કેજરીવાલ સામે ચાર્જશીટ પણ રજૂ કરી છે. કેજરીવાલ અને તેમની આમ આદમી પાર્ટીને કથિત દારૂ કૌભાંડમાં આરોપી બનાવવામાં આવ્યા છે. EDનો દાવો છે કે આમ આદમી પાર્ટીના નેતાઓએ દિલ્હીમાં દારૂના વેપારીઓને લાભ આપીને લાંચ લીધી હતી. તપાસ એજન્સીનો એવો પણ દાવો છે કે લાંચના પૈસાનો ચૂંટણી પ્રચારમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો. જો કે દિલ્હી સરકાર અને આમ આદમી પાર્ટીએ આ આરોપોને નકારી કાઢ્યા છે.