હાલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કેજરીવાલની આમ આદમી પાર્ટીના 27 જેટલા નગર સેવકો ચૂંટાઈને આવ્યા બાદ ઉત્સાહમાં આવીને પોતાની રીતે કામ કરવા લાગ્યા છે. જોકે ઉત્સાહમાં ને ઉત્સાહમાં તેઓ નિયમો નેવે મૂકીને પ્રજાને રાજી કરવા પોતાની મનમાની ચલાવી રહ્યા હોવાની ઘટના સુરતમાં સામે આવી છે.
આમ આદમી પાર્ટીના નગર સેવકો દ્વારા પાટીદાર વિસ્તારમાં આવેલ યોગી ગાર્ડનને વગર ઠરાવે નામ બદલીને પાટીદાર ગાર્ડન નામ આપી દીધું હતું. જોકે આ ઘટના મનપાના ધ્યાને આવતા ફરી આ ગાર્ડનનું નામ યોગી ગાર્ડન કરી દેવામાં આવ્યુ હતું.
મળતી માહિતી મુજબ, સુરત શહેરના વોર્ડ નંબર 17માં આપના કાઉન્સિલર ચૂંટાયા બાદ આપના કાર્યકરો અને લોકોએ સાથે મળીને રાત્રિના સમયે કાઉન્સિલરોને બોલાવ્યા હતા પરંતુ એ ન જઈ શકતા સહતમી આપતા લોકોએ નામ બદલી નાખ્યું હતું. આ અંગે પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ કહ્યું કે, પાલિકાના જનરલ બોર્ડમાં ઠરાવ પસાર કર્યા બાદ જ નામ બદલવું જોઈએ. લોકોની કોઈ પણ પ્રકારની મનમાની ન ચાલી શકે. જોકે, વિવાદના પગલે પાલિકાના કર્મચારીઓએ પાટીદાર ગાર્ડનનું બોર્ડ ઉતારીને ફરીથી યોગી ગાર્ડનનું બોર્ડ લગાવી દીધું હતું.