ગુજરાતમાં વધુ એક વખત અધિકારીઓની બદલી અને બઢતી કરવામાં આવી છે. રાજ્યના વિવિધ જિલ્લામાં ફરજ બજાવતા આઠ પ્રોબેશનલ આઈપીએસની બદલી સાથે ડીવાયએસપી કક્ષાએ ફેરફારો કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, રાજ્ય સરકારે આજે રવિવારે મોડી સાંજે ગુજરાત કેડરના 2016, 2017અને 2018 બેંચના આઠ પ્રોબેશનર આઈપીએસને ડીવાયએસપી તરીકે પોસ્ટિંગ આપ્યું છે. આ ઉપરાંત 15 ડીવાયએસપીની આંતરિક બદલીઓ પણ કરવામાં આવી છે.
જે મુજબ લાંચ રિશ્વત બ્યૂરો અમદાવાદના ડીવાયએસપી ડીપી ચુડાસમાને અમદાવાદ શહેરના ક્રાઇમ બ્રાન્ચના નવા એસીપી તરીકે નિમણૂંક આપવામાં આવી છે. જ્યારે હાલના એસીપી બીવી ગોહીલની જૂનાગઢ પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં બદલી કરવામાં આવી છે. રાજ્ય સરકારે ગુજરાતના કેડરના 2016, 2017 અને 2018 બેંચના આઠ પ્રોબેશનર IPSની નિમણૂંક કરી છે. જેમાં 2016 બેંચના સુરેન્દ્રનગરના પ્રોબેશનર આઈપીએસ શૈફાલી બરવાલને દાહોદ ડીવાયએસપી તરીકે મુક્યા છે. જ્યારે 2017 બેંચના ડો. લવીના સિંહાને વિરમગામના ડીવાયએસપી તરીકે નિમણૂંક અપાઈ છે.
તો બનાસકાંઠાના પ્રોબેશનર આઈપીએસ અભય સોનીને અમરેલી ડીવાયએસપી, જ્યારે અમરેલી જિલ્લા પ્રોબેશનર આઈપીએસ સુશિલ અગ્રવાલને બનાસકાંઠાના પાલનપુરના ડીવાયએસપી બનાવ્યા છે. આ ઉપરાંત 2018 બેંચના જામનગર પ્રોબેશનર આઈપીએસ હસન શફિન મુસ્તફા અલીને ભાવનગરના ડીવાયએસપી તરીકે નિમણૂંક અપાઈ છે.