બોલીવુડના જાણીતા યુવા અભિનેતા સુશાંતસિંહ રાજપૂતે મુંબઈ સ્થિત પોતાના ફ્લેટમાં આત્મહત્યા કરી લેતા બોલીવુડ જગતમાં શોકનો માહોલ છે..
માત્ર બોલીવુડજગત જ નહીં આ સમાચાર બાદ પ્રધાનમંત્રીથી લઈને અનેક બોલીવુડ અભિનેતાઓ, તેના પ્રશંસકો સહિત અનેક લોકો દુખ વ્યક્ત કરી રહ્યાં છે. જોકે આ કોઈ પહેલી ઘટના નથી કે કોઈ સેલિબ્રિટીએ આત્મહત્યા કરી હોય આ પહેલા પણ અનેક સેલિબ્રિટીઓ આ રીતે પોતાની જીંદગીને અધવચ્ચે મૂકીને જીવનનો અંત આણી ગયા છે..
90ના દાયકાની જાણીતી અભિનેત્રી દીવ્યા ભારતીએ માત્ર 19 વર્ષની ઉંમરે વર્ષ 1993માં પોતાના મુંબઈ સ્થિત ફ્લેટમાંથી છલાંગ લગાવી દીધી હતી. દિવ્યા ભારતી દીવાના અને શોલા ઔર શબનમ જેવી હિટ ફિલ્મોમાં કામ કરી ચૂકી હતી.
મલયાલમ, તેલુગુ, તમિલ, હિન્દી ભાષાની ફિલ્મોમાં કામ કરી ચૂકેલ અભિનેત્રી સિલ્ક સ્મિતાએ પણ માત્ર 35 વર્ષની ઉંમરે આત્મહત્યા કરી લીધી હતી. સિલ્ક સ્મિતાના જીવન પર વર્ષ 2011માં ધ ડર્ટી પિક્ચર નામની ફિલ્મ પણ બની હતી.
વર્ષ 2016માં બાલિકા વધુ ટીવી સીરયલની અભિનેત્રી પ્રત્યુષા બેનર્જીએ ડિપ્રેશનના કારણે આત્મહત્યા કરી લીધી હતી. પ્રત્યુષાની આત્મહત્યા પાછળ તેના પ્રેમી રાહુલ સાથે સંબંધોને લઈ ચાલતા અણબનાવ પણ એક કારણ માનવામાં આવી રહ્યુ હતું. જોકે પ્રત્યુષાનું આ પગલુ ટીવીજગત માટે આઘાતરુપ હતુ.
ટીવી અભિનેતા કુશલ પંજાબીએ 42 વર્ષની વયે ગત વર્ષે આત્મહત્યા કરી લીધી હતી. તેણે ફિયર ફેક્ટર, ઝલક દિખલાજા જેવા રિયાલીટી શોમાં કામ કર્યુ હતું જ્યારબાદ તે સતત ચર્ચામાં રહ્યો હતો.
બોલીવુડ અભિનેત્રી જિયા ખાને પણ વર્ષ 2013માં આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવી દીધુ હતુ. જિયાએ બોલીવુડ મહાનાયક અમિતાભ બચ્ચન સાથે નિશબ્દ ફિલ્મમાં કામ કર્યુ હતુ. જ્યારે અભિનેતા આમિર ખાનની સુપરહિટ ફિલ્મ ગજનીમાં પણ તે નજરે પડી હતી.