ગુજરાતમાં નાની ઉંમરે હાર્ટ એટેકના કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. દિવસેને દિવસે આધેડ અને યુવાનો હાર્ટ એટેકથી મૃત્યુ પામી રહ્યા છે ત્યારે રાજકોટમાં વધુ એક યુવકનું હાર્ટ એટેકના કારણે મોત થયાના સમાચાર મળી રહ્યા છે. યુવક રાજકોટની વીવીપી કોલેજમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો. આજે સવારે અચાનક તેને છાતીમાં દુખાવો થતાં તે બેભાન થઈને ઢળી પડ્યો હતો. તેના સહાધ્યાયીઓ તાત્કાલિક તેની મદદે આવ્યા હતા અને યુવાનને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. પરંતુ ટુંકી સારવાર દરમિયાન યુવાનનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ પરિવારને થતાં તાપીમાં રહેતો પરિવાર પણ રાજકોટ દોડી આવ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ તાપી જિલ્લાનો 28 વર્ષીય યુવક કલ્પેશ પ્રજાપતિ રાજકોટમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા આવ્યો હતો. તે રાજકોટની વીવીપી એન્જિનિયરિંગ કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. જેથી આજે સવારે પીજીમાં તેમને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. તે બેભાન થઈને નીચે પડી ગયો. કલ્પેશ નીચે પડી જતાં તેના સહાધ્યાયીઓ પણ તેની મદદે દોડી આવ્યા હતા અને કલ્પેશને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો. જ્યાં ટુંકી સારવાર દરમિયાન યુવાનનું મોત નીપજ્યું હતું.
તાપીમાં રહેતા પરિવારને હાર્ટ એટેકના કારણે કલ્પેશનું મોત થયાની જાણ થતાં પરિવારજનો પણ રાજકોટ દોડી આવ્યા હતા. જુવાનજોધ દિકરાના આકસ્મિક મોતથી પરિવાર શોકમાં ગરકાવ છે.