રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સબસિડીવાળા ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં પહેલી માર્ચથી એટલે કે આજથી ફરી 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે જ 14.2 કિલોગ્રામના વજનવાળા એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ હવે વધીને 794 રૂપિયાથી 819 રૂપિયા થઈ ગયા છે. અગાઉ 25 ફેબ્રુઆરીના રોજ પણ એલપીજી ગેસના ભાવમાં 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ, માર્ચ મહિનાની શરૂઆત એક મોટા ઝટકા સાથે થઈ છે. દર મહિનાની પહેલી તારીખે તેલ કંપનીઓ સિલિન્ડરના નવા ભાવ નક્કી કરે છે. આજથી ઘેરલૂ ગેસ સિલિન્ડરના ભાવમાં 25 રૂપિયા વધારે ચૂકવવાના રહેશે. હવે આજથી ઘરેલૂ ગેસ સિલિન્ડરનો નવો ભાવ 823.00 રૂપિયાનો રહેશે.
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં માર્ચની શરૂઆતમાં એકસાથે જ રૂપિયા 95નો વધારો કરી દેવાયો છે. આ નવા ભાવ વધારાની સાથે 19 કિલોગ્રામવાળા સિલિન્ડરનો ભાવ રૂપિયા 1614 થઈ ચૂક્યો છે. આ ભાવવધારો કોમર્શિયલ ગેસ સિલિન્ડર માટે પણ આજથી જ લાગૂ થશે. મહત્વનું છે કે, ફેબ્રુઆરીમાં ઘરેલું LPG સિલિન્ડરના ભાવ 3 વખત વધ્યા હતા. સરકારે 4 ફેબ્રુઆરીએ LPGના ભાવમાં 25 રૂપિયાનો વધારો કર્યો હતો. એ પછી 15 ફેબ્રુઆરીએ 50 રૂપિયા અને 25 ફેબ્રુઆરીએ 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.