અમદાવાદ સહિત ગુજરાતભરમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. રાજ્યમાં આજે નોંધાયેલા નવા કેસો સાથે જ કેસની સંખ્યા વધીને 1 લાખને પાર કરી ગઈ છે. ગુજરાતમાં સૌથી વધુ કેસ અત્યાર સુધી અમદાવાદમાં સામે આવી ચુક્યા છે. હવે આ સંક્રમણ ધાર્મિક સ્થાનો સુધી પહોંચ્યું છે. ત્યારે અમદાવાદ સ્થિત શાહિબાગ સ્વામિનારાયણ મંદિરના કેટલાક સંતોને કોરોના પોઝિટિવ આવ્યો છે. મળતી માહિતી મુજબ, અમદાવાદના શાહિબાગ સ્થિત સ્વામિનારાયણ મંદિરમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. મંદિરના સંતો તેમજ કેટલાક કર્મચારી સહિત 28 કેસ પોઝિટિવ સામે આવ્યા છે.
શહેરમાં અલગ અલગ સ્થળો પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગની ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શાહીબાગ સ્વામીનારાયણ મંદિરના સાધુ-સંતો અને કર્મચારીઓનાં કોરોનાનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં કુલ 150 લોકોનાં ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે પૈકી 28 લોકો પોઝિટિવ આવતા ચકચાર મચી ગઇ છે. સાધુ સંતો પોઝિટિવ આવતા તેમને ક્વોરન્ટીન કરવા અને કોવિડ સેન્ટરમાં ખસેડવાની તજવીજ હાથ ધરાઈ છે.
બીજીબાજુ મંદિરના સંતોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હરિભક્તોમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યુ છે અને સંતોનું સ્વાસ્થ્ય સારુ રહે અને તેઓની ઝડપી રીકવરી થાય તે માટે પ્રાર્થના પણ શરુ કરી દેવામાં આવી છે. મહત્વનું છે કે આ પહેલા અમદાવાદના મણિનગર સ્થિત સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મંદિરમાં પણ કેટલાક સંતોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.