આંધ્રપ્રદેશમાં વધુ એક વખત ગેસ લીકેજની ઘટના સામે આવી છે. રાજ્યના ચિત્તૂર જિલ્લાના બંદાપલ્લી ગામમાં આવેલ હટસન કંપનીમાં બની હતી. જ્યાં કંપનીના મિલ્ક ડેયરી યુનિટમાં એમોનીયા ગેસ લીકેજના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
અમોનિયા ગેસની 14 લોકોને અસર થતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગેસ લીકેજની ઘટનાના પગલે કંપનીમાં કામ કરતા કર્મચારીઓમાં ભાગદોડ મચી હતી. ડેરી પ્લાન્ટની દુર્ઘટનાની જાણ થતા જ ડીએમ ડો. નારાયણ ભરત ગુપ્તા અને એસપી સેંધિલ કુમારે ઘટનાસ્થળે પહોંચી ઘટનાની સમીક્ષા કરી હતી. આ બનાવ અંગે ડીએમએ જણાવ્યું કે વેલ્ડિંગ પાઈપ તૂટવાના કારણે હટસન ડેરી પ્લાન્ટમાં અમોનિયા ગેસ લીક થયો હતો.
તેમણે જણાવ્યું કે ઘટનામાં અસરગ્રસ્ત તમામ મહિલા મજૂર છે. અસરગ્રસ્ત મહિલાઓ પૈકી ત્રણની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. તેમજ અધિકારીઓની એક ટીમને આ ઘટનાની ઊંડી તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યાં છે. તેમણે વધુમાં જણાવ્યું કે પ્લાન્ટમાં આસપાસ રહેનારા ગામડાઓએ ગભરાવવાની કોઈ જરૂર નથી.
આ પહેલા પણ બની હતી ગેસ લીકેજની ઘટના
મહત્વનું છે કે આંધ્રપ્રદેશમાં આ પહેલા 27 જુનના રોજ કુર્નુલમાં પણ એસપીવાઈ એગ્રો કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજની ઘટના સામે આવીહતી. જેમાં એક મેનેજરનું મોત નિપજ્યુ હતું, જ્યારે ત્રણ કર્મચારીઓ અસરગ્રસ્ત થયા હતા. આ ઉપરાંત 8 મેના રોજ વિશાખાપટ્ટનમના વેંકટપુરમ ગામની એક કેમિકલ ફેક્ટરીમાંથી સ્ટાઈરીન ગેસ લીકેજ થયો હતો. જેના કારણે 11 લોકોના મોત થયા હતા. ઘટનામાં મોતને ભેટેલ લોકોમાં બે બાળકોનો પણ સમાવેશ હતો.આ ઘટના એટલી ભયાનક હતી કે ફેક્ટરીની આસપાસના વિસ્તારમાં રસ્તા પર લોકો બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા.
વારંવાર બનતી ઘટના છતાં સરકાર મૌન
આંધ્રપ્રદેશમાં મોટી સંખ્યામાં કેમિકલ ફેક્ટરીઓ આવેલી છે. જોકે, વારંવાર થતી ગેસ લીકેજની ઘટનાના પગલે આંધ્રપ્રદેશ સરકાર સામે પણ સવાલ ઉઠી રહ્યા છે. ફેક્ટરીઓમાં બનતા કેમિકલ લોકોના સ્વાસ્થ્ય માટે ઘાતકરુપ સાબિત થતા હોવાના કારણે તે ફેક્ટરીઓમાં કામ કરતા મજૂરોની સુરક્ષાનું પણ એટલુ જ ધ્યાન રાખવાનું હોય છે. ત્યારે આ સુરક્ષાની ચકાસણી કર્યા વિના તેના જરુરી માપદંડો ચકાસ્યા વિના પણ અનેક ફેક્ટરીઓ ધમધમતી હોવાનો આક્ષેપ લોકો કરી રહ્યા છે.