ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. રાજ્યમાં કેસોની સંખ્યા 1 લાખ 10 હજારની ઉપર પહોંચી ગઈ છે. હાલ રાજ્યમાં અનલોક 4 ચાલી રહ્યુ છે. જોકે, સુરતના માંગરોળ તાલુકા બાદ રાજ્યના વધુ એક તાલુકામાં કોરોનાના સંક્રમણને જોતા સ્વયં ભૂ લોકડાઉન લાગુ કરાયુ હોવાની જાહેરાત કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, ગુજરાતમાં કોરોના વાયરસનો દાવાનળ દિવસેને દિવસે વધી રહ્યો છે. અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં કોરોના પોઝિટીવના કેસો વધી રહ્યા છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા માં એક મોટો નિર્ણય લેવાયો છે. સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં કોરોનાના કેસો વધતા સ્વયં – ભૂ લોકડાઉન જાહેર કરાયું છે. જે અંતર્ગત ખેડબ્રહ્મામાં 14થી 21 સપ્ટેમ્બર સુધી સ્વયં – ભૂ લોકડાઉન રહેશે. આ દરમિયાન દૂધ, મેડિકલ, હોસ્પિટલ, સરકારી કચેરી જ ચાલુ રહેશે.
ખેડબ્રહ્માના વેપારી એસોસીએશન તેમજ જનતા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે ખેડબ્રહ્મા 8 દિવસ માટે બંધ રહેશે. ખેડબ્રહ્મા શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસમાં વધારો થતા આ નિર્ણય લેવાયો છે. ત્યારે કોરોનાના સંક્રમણને અટકાવવા માટે આગામી સોમવાર તા.14થી 21 સુધી ખેડબ્રહ્માના બજારોમાં સ્વયંભૂ બંધ રહેશે. આપને જણાવી દઈએ કે, સુરતના માંગરોળ તાલુકા મથકે પણ 12 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. કોરોનાના સતત વધી રહેલા કેસને લઈ ગ્રામ પંચાયત દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારે હવે રાજ્યના વધુ એક તાલુકામાં સ્વયં ભૂ લોકડાઉનો નિર્ણય લેવાયો છે.