રાજ્યની 6 મહાનગરપાલિકાની ચૂંટણી ફેબ્રુઆરીમાં યોજાવાની છે. 6 મહાનગરપાલિકા અમદાવાદ, ભાવનગર, જામનગર, રાજકોટ, સુરત અને વડોદરા માટે 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. જોકે આ શહેરોમાં વિવિધ મુદ્દાઓને લઈ લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટના ધોરાજીમાં દૂષિત પાણીના વિતરણથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વઘાસીયાના વૉર્ડ નંબર-5માં ઘરે-ઘરે ડોહળા પાણીનું વિતરણ થઈ રહ્યું છે.
આ પહેલા પણ સ્થાનિકોએ જવાબદાર અધિકારીઓએ શુદ્ધ પાણી આપવા માટે રજૂઆતો કરી હતી. જો કે તંત્રના અધિકારીઓએ આંખ આડા કાન કરતા સ્થાનિકોએ તંત્ર અને સ્થાનિક ધારાસભ્ય વિરૂદ્ધ બેનરો છપાવી રોષ વ્યક્ત કર્યો હતો.
ત્યારે વધુ એક વખત વોર્ડ નંબર-5માં બેનરો લગાવી રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. વોર્ડ નં.૫ના વિસ્તારમાં રહેતાં લોકોએ રોષ પ્રગટ કરતા જણાવ્યું કે છેલ્લા ઘણા સમયથી એમના વોર્ડમાં નગરપાલિકા દ્વારા અપાતા પીવાના પાણીમાં દુર્ગંધ મારતું ગટરનું પાણી મિશ્રિત થઈ રહ્યું છે જે જન આરોગ્ય માટે ખતરો છે. અનેક વખત આ વિસ્તારની મહિલાઓ અને સ્થાનિકોએ વિરોધ કર્યો છે છતાં પણ નગરપાલિકાએ આ બાબતે કોઈ નક્કર પગલાં નથી લીધા. જેથી આ વિસ્તારના લોકોએ રોષ પ્રગટ કરી બેનરો લગાવ્યા હતા.