રાજ્યની પાંજરાપોળોને પોતાના પશુધન માટે ઘાસચારો પોતાની માલિકીની જમીનમાં ઉત્પાદન કરી સ્વાવલંબી-આત્મનિર્ભર બનાવવા ગુજરાત સરકારે નવી યોજનાની જાહેરાત કરી છે. જે મુજબ, ટ્યુબવેલ, સોલાર ઈલેકટ્રીકલ પેનલ, ગ્રીન ફોડર બેલર, ચાફકટર, ઇરિગેશન સિસ્ટમ, રેઇનગન કે સ્પ્રીન્કલર તથા પાણી માટેની પાઇપલાઇન માટે પાંજરાપોળને સરકાર દ્વારા સહાય મળશે.
રાજ્ય સરકારની જાહેરાત મુજબ હવે પાંજરાપોળ પોતાની જમીનમાં ઘાસચારાનું ઉત્પાદન કરી શકશે. પાંજરાપોળમાં ટ્યુબવેલ માટે રૂ.10 લાખની સહાય, ચાબ કટર માટે સવા લાખ સુધીની સહાય, સ્પ્રિંક ઈરિગેશન સિસ્ટમ માટે રૂ.5 લાખની સહાય જાહેર કરાઈ છે. મળતી માહિતી મુજબ, રાજ્યની પાંજરાપોળોને પોતાના પશુધન માટે ઘાસચારો પોતાની માલિકીની જમીનમાં ઉત્પાદન કરી સ્વાવલંબી-આત્મનિર્ભર બનાવવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નવી યોજનાની જાહેરાત કરી છે.
હવે, રાજ્યની આવી રજિસ્ટર્ડ પાંજરાપોળો પોતાની માલિકીની જમીનને ખેતીલાયક બનાવી પાણી, ખાતર અને બિયારણની ઉપલબ્ધતા દ્વારા પોતાની રીતે ઘાસચારો ઉગાડી તેમની પાંજરાપોળમાં નભતા પશુધનને પૂરો પાડી શકશે. મહત્વનું છે કે, રાજ્યના પાંજરાપોળ સંચાલકો-મહાજનોએ પાંજરાપોળમાં રખાયેલા પશુધનને ઘાસચારો મેળવવામાં ભારે મુશ્કેલીઓ પડતી હતી. આ અંગે પાંજરાપોળ દ્વારા વારંવાર સરકારમાં રજૂઆત કરવામાં આવતી હતી. જેનો સરકાર દ્વારા ત્વરિત નિર્ણય લેવામાં આવ્યો છે.