ચીનમાં મહામારી બની ચુકેલ કોરોન વાયરસને લઈ સમગ્ર દુનિયામાં ભારે ખળભળાટ મચ્યો છે. આ વાયરસે હવે ભારતમાં પણ દસ્તક આપી દીધી છે, જેને લઈ આરોગ્ય વિભાગ તેમજ ભારત સરકાર પણ સતર્ક થઈ છે.
કોરોના વાયરસના કહેરને ધ્યાનમાં રાખી ભારત સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત ચીની નાગરીકોને 5 ફેબ્રુઆરી અથવા એ પહેલા જાહેર કરાયેલા વીઝા રદ્દ કરવામાં આવ્યા છે. જાણકારી મુજબ આગામી સૂચના સુધી ચીની નાગરીકોના વીઝા રદ્દ રહેશે. આ પહેલા ઈરાન, જાપાન અને દક્ષિણ કોરીયાના લોકોના પણ વીઝા રદ્દ કરવામાં આવ્યા છે.
મહત્વનું છે કે, ચીનમાં મહામારીના રુપમાં ફેલાઇ ચૂકેલા કોરોના વાયરસથી દુનિયાના અન્ય 60 દેશો પણ પ્રભાવિત થયા છે. વિશ્વસ્તરે 88,000થી વધારે લોકો કોરોના વાયરસના સંક્રમણથી પીડિત છે અને 3000થી વધારે લોકોના મોત થઇ ચૂક્યા છે. WHO આ બીમારીને COVID-19 નામ આપ્યું છે.
ચીનમાં કોરોના વાયરસને લીધે સૌથી વધારે મોત થઇ છે અને 79 હજારથી પણ વધારે પોઝિટિવ કેસ સામે આવ્યા છે. તાજેતરમાં કેન્દ્ર સરકારને મળેલા રિપોર્ટ મુજબ કોરોના વાયરસને લીધે કેટલાક માછીમારો સહિત ભારતીય નાગરિકો ઇરાનમાં ફસાયા છે.તેમજ ભારતમાં પણ કોરોના વાયરસે દસ્તક દીધી છે જોકે હાલ દેશમાં કોરોનાને લઈ સ્થિતિ નિયંત્રણમાં હોવાનો દાવો કરાઈ રહ્યો છે.