અમેરીકામાં જો બાઈડન સરકાર સત્તામાં આવ્યા બાદ એક પછી એક મહત્વના નિર્ણય કરી રહી છે. અમેરિકામાં સત્તા પરિવર્તન થતાની સાથે રાષ્ટ્રપતિ જો બાઈડને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વધુ એક નિર્ણયને પલટાવ્યો છે. જો બાઈડન સરકારે તેમણે H-1B વિઝાધારકો મામલે વધુ એક મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં H-4 વિઝાધારક જીવનસાથીઓને કામ કરવાની મંજૂરી આપી છે.
બાઈડનના આ નિર્ણયથી મૂળ ભારતીય IT પ્રોફેશનલોમાં ખુશીનું મોજું ફરી વળ્યુ છે. અમેરિકામાં આઈટી ક્ષેત્રે કામ કરતા H-1B વિઝાધારક ભારતીયોની સંખ્યા સૌથી વધુ છે.
આ પહેલા પૂર્વ અમેરિકન પ્રમુખ બરાક ઓબામાએ તેમના શાસનકાળમાં H-1B વિઝાધારકોના જીવનસાથીઓને અમેરિકામાં કામ કરવાની મંજૂરી આપતું બિલ પસાર કર્યું હતું. અને H-4 વિઝા હેઠળ અમેરિકામાં કામ કરવાની મંજૂરી ઓબામા એડમિનિસ્ટ્રેશને જ આપી હતી. ટ્રમ્પે પ્રમુખ બન્યા પછી આ કાયદો રદ કરવાના ઘણાં પ્રયાસ કર્યા હતા. જોકે, હવે બાઈડેનના નિર્ણયોથી અમેરિકામાં વસતા વિશ્વભરના માઈગ્રન્ટ્સમાં ખુશીની લહેર જોવા મળી છે.