કહેવાય છે કે માનવ જાતમાં અનેક પ્રકારના જનૂન સમાયેલા હોય છે. એમાં પણ દેશપ્રેમનું જનુન જેના દિલમાં સમાયેલું હોય છે તે વ્યક્તિ સમાજ જીવનમાં વિશેષ બની જતું હોય છે. આવું જ કંઇક જોવા મળ્યું છે. પાટણ પંથકના નેદ્રા ગામમાં જ્યાં એહમદ ચાચા નામના એક એવા તિરંગા પ્રેમી સામે આવ્યા છે કે જેઓની દેશભક્તિ અને તિરંગા પ્રત્યેનો અનોખો પ્રેમ જોનારાને પણ દિલમાં દેશભક્તિની ભાવના જગાડે તો નવાઈ નહીં.
આજે દેશમાં 75માં આઝાદી કા અમૃત મહોત્સવને લઈ ઘર ઘર તિરંગા ફરકાવવા માટે વડાપ્રધાને દેશવાસીઓને એક અપીલ કરી છે. જોકે અમે આપને પાટણના એક એવા દેશ પ્રેમી રિટાયર્ડ આર્મી મેનને બતાવવા જઈ રહ્યાં છીએ કે તેઓ વર્ષોથી પોતાના મકાન પર ફરકાવે છે. તિરંગો પોતાના મકાન પર તિરંગો ફરકાવવા માટે લડ્યા છે, સુપ્રીમ કોર્ટ સુધીની લડાઈ વાત વિગતે કરીએ તો પાટણ જીલ્લાના સિધ્ધપુર તાલુકાના પાંચકુંવા નેદ્રા ગામેથી જો કોઈ પસાર થાય તો અહેમદ ચાચાનું મકાન ચોક્કસ નજરે પડે છે. કારણ કે આ મકાનના ટેરેસ ઉપર નિત્યક્રમ મુજબ એક એવી દેશભક્તિ ઉજવાય છે કે જોનારા અને ગ્રામજનો પણ હિન્દુસ્તાની હોવાનો ગર્વ અનુભવે છે.
દેશભરમાં 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના દિવસે ધ્વજવંદનના કાર્યક્રમો જોવા મળતાં હોય છે. તેમાં પણ મોટાભાગના ધ્વજ વંદન સરકારી મકાનો તેમ જ સરકારી પટાંગણમાં અને રાજકીય વર્તુળોમાં જોવા મળતા હોય છે. ધ્વજવંદનના કાર્યક્રમ સામાન્ય રીતે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના દિવસે ધ્વજવંદન કોઈ રહેણાંક વિસ્તારોમા ઉજવાતા હોય તેવા પ્રસંગો જૂજ કેસમાં જોવા મળતા હોય છે. પરંતુ પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના નેદ્રા ગામે તો ર્ષના બે દિવસ નહીં પરંતુ વર્ષના 365 દિવસ ધ્વજ વંદન કાર્યક્રમ પૂરા માન-સન્માન સાથે ઉજવવામાં આવે છે, જેનો જસ એક્સ આર્મીમેન એવા અહેમદભાઈ નાંદોલીયાને શિરે જવા જાય છે. પહેલાના સમયમાં રાષ્ટ્રધ્વજ ખાનગી મકાનોમાં ફરકાવવાની પરમિશન નહોતી આપવામાં આવી.
જો કે તે જમાનામાં એહમદ ભાઈએ રાષ્ટ્રભાવનાનો સંદેશો લોકો સુધી પહોંચે તે માટે પોતાના મકાન ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે સુપ્રીમ કોર્ટ સુધી લડાઈ લડ્યા હતા અને તેમાં તેમનો વિજય થતા તેઓએ છેલ્લાં વીસ વર્ષથી તેમના બંગલાની છત ઉપર રાષ્ટધ્વજ તેના નિત્ય સમય મુજબ અને પૂરા માન-સન્માન સાથે ફરકાવવાનું શરૂ કર્યું. તે આજે 20 વર્ષે પણ અકબંધ રહેવા પામી છે. ઉંમરના હિસાબે હવે અહેમદ ચાચા પગે થાક્યા છે છતાં પણ તેમના પરિવારનાં સભ્યો દ્વારા સમયસર તેમના મકાન પર તિરંગો ફરકાવવામાં આવે છે. લોકોનાં દિલમાં દેશ ભાવનાને ઉજાગર કરવી હોય તો નાંદોલીયા ચાચાના બંગલે એકવાર નજર જરૂર નાખવી રહી.
આજના યુગમાં નેતાઓએ પોતાની વોટબેંક મજબુત કરવા અનેકવાર હિન્દુ અને મુસ્લિમોને સામ સામે લાવીને રાખી દીધા છે. પરંતુ અહેમદભાઈ નાંદોલીયા જેવા સાચા દેશપ્રેમી દેશભક્ત આવા લેભાગુ નેતાઓના મોઢે લપડાક છે. અહેમદભાઈ સવારે જ્યારે રાષ્ટ્રધ્વજ ફરકાવવા તેમના બંગલાના પટાંગણમાં નીકળે છે ત્યારે તેમની સાથે તેમનો પરિવાર અને ગ્રામજનો પણ જોડાય છે. ત્યારે બંગલાની છત સામેથી રાષ્ટ્રધ્વજને સલામી આપે છે ત્યારે નીચે ઊભેલા તેમના દીકરા પરિવારજન અને ગ્રામજનો પણ રાષ્ટધ્વજને સલામી આપે છે.
જોકે આ કાર્યપ્રણાલી કોઈ એક દિવસ કે બે દિવસ પુરતી કરવામાં નથી આવતી. આ ધ્વજ વંદન કાર્યકર્મ 365 દિવસ દિવસ અવિરત 20 વર્ષથી ચાલી આવતું એક દેશભક્તિનું ભગીરથ કાર્ય છે. જેનો શ્રેય અહેમદભાઈના શિરે જાય છે પરિવારજનો પણ પોતાના પિતાનું દેશ પ્રેમનું સપનું કાયમ રાખવા માંગે છે. 20 વર્ષથી ચાલતી આ દેશ ભક્તિનું પર્વ ઉજવવા ગ્રામજનો પણ જોડાઈને હર્ષની લાગણી અનુભવે છે. ગ્રામજનો પણ હિન્દુ-મુસ્લિમ ભાઇ ચારાના એકતાના દર્શન સમૂહ રાષ્ટ્રીય ધ્વજ વંદન પર્વને ઉજવીને પોતાની જાતને ધન્ય થયા હોવાનું ગર્વ અનુભવી રહ્યા છે એક દિવસ માટે હાથમાં તિરંગો લઈ સીન સપાટા કરતાં લોકો માટે અહેમદ સાચા સાચી દેશભક્તિના અને તિરંગાના પ્રેરણા સ્ત્રોત સમાન કહીએ તો નવાઈ નહીં.