આ લોકડાઉન દરમિયાન રસ્તાઓ સુમસામ થતા વન્યપ્રાણીઓ બહાર લટાર મારવા નીકળી પડતા હોય છે. તેવામાં મહેસાણા જીલ્લાના ખેરાલૂ તાલુકાના ડાવોલ સીમમાં રીંછ દેખાતા લોકો ભયભીત થઇ ગયા હતા. તેમજ હિંસક વન્યપ્રાણીઓ ગ્રામીણ વિસ્તારોમાં પ્રવેશતાં પિયત કરતા ખેડૂતોમાં ભયની આશંકા જોવા મળી હતી.
તેવામાં ડાવોલ સરપંચે તાકીદ મામલતદાર આરએફઓ અને પોલીસને જાણ કરતા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. ત્યારે આરએફઓ હડીયોલ અને વનવિભાગની ટીમે પાંજરૂ લાવી ખેતરોમાં નાકાબંધી કરી હતી. ખેરાલૂ પી.એસ.આઇ ચાવડા અને વન વિભાગની ટીમે પહોચીને ઉમટેલા લોકોને હટી જવા સુચના આપી હતી.
વનવિભાગની ટીમે રીંછને ખેતરોની નાકાબંધી કરીને જંગલ તરફ ભગાડી મૂકયું હતું. આમ, ખેરાલુ પંથકના ગામડામાં રીંછ આવતાં આ વિસ્તારના લોકો ભયભીત બન્યા હતા. મહત્વનું એ છે કે, સરદારપુર ચીકણા તરફના ડુંગરોમાં રીંછ રવાના થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.