થોડા દિવસો પહેલા આણંદ અને ખેડાના કેટલાક વિસ્તારોમાંથી અવકાશી પદાર્થ પડ્યાના બનાવો સામે આવ્યા હતા. જે બાદમાં લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. ખેડા આણંદ બાદ હવે સાબરકાંઠામાં પણ રાત્રી દરમિયાન ડ્રોન દેખાયા હતા. પ્રાંતિજ અને તલોદ વિસ્તારમાં ડ્રોન દેખાતા લોકોની ઉંઘ ઉડી ગઈ હતી. શંકાસ્પદ ડ્રોનના કારણે લોકોમાં ભયનો માહોલ ઉભો થયો હતો.એક સાથે 3 ડ્રોનને લોકોએ પોતાના કેમેરામાં કેદ કર્યા હતા. મળતી માહિતી મુજબ કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રે ડ્રોન ઉડતા જોવા મળતા લોકોમાં આશ્ચર્યની સાથે સાથે ભયનો માહોલ ફેલાયો છે.
જમીનથી માત્ર ૩૦ ફૂટની ઊંચાઈએ ઊડતી આ વસ્તુ શું છે તે જાણવા માટે લોકોએ પ્રયત્ન કર્યો હતો પણ સફળતા મળી નહોતી. બાદમાં લોકો ધારિયા, ધોકા અને લાકડીઓ લઈને નીકળી પડયા હતા અને બંને ગામોમાં આખી રાત લોકો જાગ્યા હતા. દરમિયાન લોકોએ પોલીસને જાણ કરી હતી અને પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો પણ પોલીસ પણ આ ઘટનાને લઈ ગોથે ચડી હતી અને ડ્રોન છે કે શું તે સ્પષ્ટ કરી શકી નહોતી. બંને ગામમાં હાલ શંકાસ્પદ ડ્રોનને લઈ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ખરેખર છે તે જાણવાની લોકોને ઉત્કંઠા છે પણ હજુ પોલીસ કે તંત્ર આ મામલે ચોખવટ કરી શક્યું નથી. જો ખરેખર ડ્રોન હોય તો અહીંયા કેમ આવ્યા અને કેવી રીતે આવ્યા તે ચર્ચાનો વિષય છે. હાલ તો આ બંને ગામના લોકો શંકાસ્પદ ડ્રોનને લઈ તરેહ તરેહની ચર્ચાઓ કરી રહ્યા છે.