પૃથ્વીથી ઘણી દૂર બીજી દુનિયામાં એલિયન વસતા હોવાની વાતો ઘણા સમયથી ચર્ચાનો વિષય બનેલી છે અને આકાશમાં ઉડતી રકાબી જોવા મળી હોવાના અહેવાલો અને વિડિયો પણ ઘણી વખત સામે આવી ચુક્યા છે. લોકો એલિયનના નામથી પણ ડર અનુભવતા હોય છે ત્યારે ભારતના ગ્રેટર નોએડાના એક ગામમાં લોકો એ સમયે ભયભીત થઈ ગયા જ્યારે તેમણે આકાશમાં એલિયન જેવી વસ્તુ જોઈ.
મળતી માહિતી મુજબ, ઉત્તર પ્રદેશમાં એક વિચિત્ર ઘટના સર્જાઇ, અહીં શનિવારે લોકોએ ગ્રેટર નોઇડાના આકાશમાં એલિયનને ઉડતાં જોયો. ઉતાવળમાં સ્થાનિક લોકોએ પોલીસને આ રહસ્યમય વસ્તુની ફરિયાદ કરી.
પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા ખબર પડી કે આ કાલ્પનિક સુપરહીરો કેરેક્ટર આયરન મેનના આકારનો એક ફૂગ્ગો છે. અધિકારીઓએ જણાવ્યું કે સ્થાનિક લોકોએ વિચાર્યું કે આ એક એલિયન (Alien) છે.
જ્યારે ભટ્ટા પરસૌલ ગામ પાસે એક નહેરમાં આ ફૂગ્ગો (Balloon) ઉતર્યો, તો તેની એક ઝલક મેળવવા માટે લોકોની ભારે ભીડ જામી ગઇ હતી. હાલ આ કિસ્સો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.