ગુજરાત સહિત દેશભરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે. ચીનના વુહાન પ્રાંતથી ફેલાયેલા કોરોના વાયરસે અત્યારે સમગ્ર વિશ્વને પોતાની ઝપેટમાં લીધું છે. લાખો લોકો હાલ કોરોના વાયરસના કારણે મોતને ભેટ્યા છે તો હજી પણ અનેક લોકો આ વાયરસથી સંક્રમિત છે.
વાયરસને ખતમ કરવા માટે વિશ્વના અનેક દેશો વેકસીન શોધવામાં લાગ્યા છે. તો અત્યારે આ વાયરસના સંક્રમણથી બચવા માટે માસ્ક અને સેનિટાઈઝિંગ તેમજ સોશિયલ ડિસ્ટેન્સિંગ રાખવાની તબીબો અને નિષ્ણાંતો સલાહ આપી રહ્યા છે.
તો બીજી બાજુ આવા ચિંતાજનક માહોલમાં આયુર્વેદ અને હોમિયોપથી જેવી વૈકલ્પિક અને અસરકારક સારવાર પધ્ધતિ સફળ થઈ રહી હોવાના સમાચાર પણ મળે છે. ત્યારે કોરોના વાયરસની મહામારી વચ્ચે અમૂલ દ્વારા નવી પ્રોડક્ટ શરુ કરવામાં આવી છે.
હવે અમૂલ દ્વારા હળદર, કેસર અને બદામ મિશ્રિત હલ્દી દૂધનું વેચાણ તેની અમૂલ શોપ પર કરવામાં આવશે. તેમજ આદૂ, તુલસી સહિતના મિશ્રીત પીણાની પ્રોડક્ટ પણ લોકો અમૂલ શોપ પરથી મેળવી શકશે.
અમૂલ દ્વારા શરુ કરવામાં આવનાર આ નવી પ્રોડક્ટ અત્યારે કોરોના વાયરસ સામે રક્ષણ મળી રહે અને લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધે તેવા હેતુસર શરુ કરવામાં આવનાર છે.