આમિર ખાન માત્ર સફળતાનું જ શ્રેય નથી લેતો પરંતુ ફિલ્મ ફ્લોપ જાય તો તેની જવાબદારી પણ લે છે. ગયા વર્ષે આમિર ખાનની ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’ બોક્સ ઓફિસ પર સુપર ફ્લોપ રહી હતી અને ફિલ્મની ઘણી જ ટીકા કરવામાં આવી હતી. હવે, આમિર ખાને આ ફિલ્મને લઈ દર્શકોની માફી માગી હતી અને કહ્યું હતું કે તેઓ દર્શકોની અપેક્ષા મુજબ આપી શક્યા નહીં.
આમિર ખાને વાતચીતમાં પોતાની ફિલ્મ અંગે વાત કરી હતી.આમિર ખાને કહ્યું હતું કે ગયા વર્ષે તેની ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’ રિલીઝ થઈ હતી અને હવે આવતા વર્ષે ક્રિસમસ પર ‘લાલ સિંહ ચઢ્ઢા’ રિલીઝ થશે. લગભગ બે વર્ષ બાદ તેની ફિલ્મ રિલીઝ થવાની છે. આમિરને જ્યારે પૂછવામાં આવ્યું કે અન્ય એક્ટર્સ વર્ષમાં એકથી વધુ ફિલ્મ્સ કરે છે અને તે હિટ જાય છે તો તેને અસલામતી થાય છે? જેના જવાબમાં એક્ટરે કહ્યું હતું કે તેને ક્યારેય આવું થતું નથી. ઉલટાનું તે સારું કામ જોઈને ખુશ થાય છે. આયુષ્માન ખુરાના કમાલનું કામ કરે છે. એક દર્શક તરીકે તેને તેની ફિલ્મ જોવી ગમે છે. દરેક કલાકારો યુનિક છે અને તેથી જ તેને ક્યારેય એવો ડર લાગતો નથી. આમિર ખાને કહ્યું હતું કે તે ક્યારેય એમ વિચારીને ફિલ્મ સાઈન કરતો નથી કે આ ફિલ્મ ચાલશે.