ભારત-ચીન તણાવ વચ્ચે કેન્દ્રની મોદી સરકારે એક મહત્વનો નિર્ણય લઈ ચીનને મોટો ઝટકો આપ્યો છે. સરકારે 59 ચાઈનીઝ એપ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે. પ્રતિબંધ મુકવામાં આવેલ એપ્લિકેશનમાં જાણીતી ટિકટોક એપ્લિકેશનનો પણ સમાવેશ થાય છે.
આ ઉપરાંત યુસી બ્રાઉઝર, કૈમ સ્કેનર જેવી અન્ય જાણીતી એપ્લિકેશન પર પણ સરકાર પ્રતિબંધ મુકવાનો નિર્ણય કરાયો છે. આ પહેલા ભારતીય સુરક્ષા એજન્સીઓએ ચાઈનીઝ એપ્લિકેશનની એક લિસ્ટ તૈયાર કરી કેન્દ્ર સરકારને અપીલ કરવામાં આવી હતી કે આ એપ્લિકેશન પર પ્રતિબંધ મુકવામાં આવે.
તેમજ ત્યારબાદ લોકોને કહેવામાં આવે કે આ એપ્લિકેશનને પોતાના મોબાઈલમાંથી તાત્કાલિક દૂર કરવામાં આવે. આ પાછળ એવી દલીલ આપવામાં આવી હતી કે ચીન ભારતીયોના ડેટા હેક કરી શકે છે.
મહત્વનું છે કે, લદ્દાખની ગલવાન ઘાટીમાં થોડા દિવસો અગાઉ ભારત અને ચીનની સેના વચ્ચે અથડામણ સર્જાઈ હતી. જેમાં ભારતના 20 જવાન શહિદ થયા હતા. જોકે આ અથડામણમાં ભારતીય સેનાએ પણ વળતો જવાબ આપી ચીનના અનેક સૈનિકોને ઠાર કર્યા હતા. જોકે, આ અથડામણની ઘટના બાદ ભારતીયોમાં ચીન પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો હતો. તેમજ લોકો ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરી ચીની સામાનનો તેમજ એપ્લિકેશનનો બહિષ્કાર કરતા જોવા મળ્યા હતા.