ભારત સાથે મિત્રતાના તમામ દાવા કરનાર અમેરિકાએ પોતાના નાગરીકોને ભારતનો પ્રવાસ નહીં કરવાની સલાહ આપી છે. અમેરિકાના આ વલણને ભારત માટે મોટા ઝટકા સમાન માનવામાં આવી રહ્યુ છે.
અમેરિકાએ ભારતમાં કોરોનાનું સંક્રમણ, ગુનાઓ અને આતંકવાદની ઘટનાઓનું કારણ આગળ ધરીને તેના નાગરીકોને આ સલાહ આપી છે. એટલુ જ નહીં અમેરિકાએ ભારતને સીરિયા, પાકિસ્તાન, ઈરાક, ઈરાન અને યમન જેવા દેશો સાથે ભારતને સરખાવી દીધો છે.
અમેરિકાએ ભારતને યાત્રા માટે રેટીંગ 4 નિર્ધારીત કરી છે, જેને સૌથી ખરાબ માનવામાં આવે છે. આ શ્રેણીમાં યુદ્ધગ્રસ્ત સીરિયા, પાકિસ્તાન, ઈરાક, ઈરાન અને યમન જેવા દેશો સામેલ છે. જેને લઇને ઇન્ડિયન ટૂરિઝમ અન્ડ હોસ્પિટલ સંઘે ભારત સરકાર પાસે ગુહાર લગાવી છે કે તે અમેરિકા સરકારને ટ્રાવેલ એડવાઇઝરી બદલવા દબાણ કરે. વધુમાં જણાવાયું છે કે સરકાર તેને પ્રાથમિકતાના આધાર પર ઉઠાવે જેથી દેશ વિશે બનતી નકારાત્મક ઇમેજને રોકી શકાશે.
જો અમેરિકન સરકાર ભારતના પક્ષમાં ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરે છે તો તે ભારતમાં યાત્રાને લઇને એક સારો માહોલ બનાવશે. જેનાથી પર્યટન ઉદ્યોગને મોટી રાહત મળશે. આ એડવાઇઝરીમાં એ પણ ચેતવણી આપવામાં આવી છે કે કોરોના વાયરસના કારણે સીમાને બંધ કરવામાં આવી શકે છે અને એરપોર્ટને પણ બંધ કરવામાં આવી શકે છે. યાત્રા પર પણ પ્રતિબંધ લગાવી શકે છે.