અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વર્ષ 2022-23માં સૌ પ્રથમવાર સૌથી વધુ ફાયદાકારક, ડીજીટલ ઇન્ડિયાને વેગ આપતી ‘Early Bird Incentive’ વાળી તબક્કાવાર એડવાન્સ ટેક્સ રીબેટ યોજના 22 એપ્રિલ 2022થી જાહેર કરવામાં આવી છે. જેના પ્રથમ તબક્કામાં 21 મે 2022 દરમ્યાન અંદાજે 4 લાખ જેટલા કરદાતાઓએ એડવાન્સ ટેક્ષ રીબેટનો લાભ લીધો છે. 22 મેથી યોજનાના બીજા તબક્કાની શરૂઆત થઈ છે, જેમાં 21 જૂન સુધી 9 ટકા ઓફલાઇન તેમજ ઓનલાઇનમાં વધુ 1 ટકા એટલે કુલ 10 ટકા રીબેટ મળી શકે છે. 10 જૂન સુધી અંદાજે 4.76 લાખ કરદાતાઓએ આ યોજનાનો લાભ લીધો છે. પ્રોપર્ટી ટેક્ષની કુલ આવક રૂ. 462.34 કરોડ થઇ છે જેમાં ઓનલાઇન આવક 55 ટકા જેટલી થઇ છે. ટેક્ષની કુલ આવકમાં 33 ટકા જેટલો વધારો થયો છે.
આ યોજના અંતર્ગત વધુ કરદાતાઓ લાભ લઇ શકે તેમજ વધુ વળતર મેળવી શકે તે હેતુથી 37000 જેટલા કરદાતાઓને અમદાવાદ મ્યુનિપિસલ કોર્પોરેશન તરફથી વ્યક્તિગત રીતે પત્ર મોકલાવાની કાર્યવાહી કરવામાં આવી છે. જે પ્રોપર્ટી ટેકસની આવક રૂ. 136 કરોડ થાય છે. વ્યક્તિગત પત્ર મોકલવાના કારણે આવા કરદાતાઓ વધુ વળતર મેળવી શકશે તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આવકમાં પણ વધારો થવાની શક્યતા છે.જે કરદાતાઓએ વર્ષ 2021-22 સુધીનો સંપૂર્ણ ટેક્સ/સેસ/વેરા/રેન્ટ/વ્યાજ વગેરે ભર્યું હોય અને માગ શૂન્ય કરાવી હોય તેઓને વર્ષ 2022-23નો પ્રોપર્ટી ટેકસ એડવાન્સમાં 22 એપ્રિલ 2022 થી 21 જુલાઈ 2022 સુધીમાં ભરપાઇ કરે તો તેવા કરદાતાઓને પ્રોપર્ટી ટેકસની રકમ (જનરલ ટેક્ષ+ વોટર ટેક્ષ+ કોન્ઝરવન્સી ટેક્ષ) ઉપર રીબેટ આપવામાં આવશે અને 10, 9 અને 8 ટકા રાહત આપવામાં આવશે.