જમ્મુ કાશ્મીરમાં જ્યાં એકબાજુ ભારતીય સેનાના જવાનો આતંકીઓનો ખાતમો બોલાવી રહ્યા છે ત્યાં બીજીબાજુ LOC પર પાકિસ્તાન પ્રેરિત આતંકવાદને લઇને ગંભીર રિપોર્ટનો ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં પીઓકેમાં આતંકી લોન્ચ પેડને લઈ ચેતવણી આપવામાં આવી છે અને 200થી વધુ આતંકીઓ ઘુસણખોરી કરવાની ફીરાકમાં હોવાનું પણ જણાવાયું છે.
સેનાના લેફ્ટિનેન્ટ જનરલ બી એસ રાજૂએ આ અંગે એક રિપોર્ટના હવાલે આશંકા વ્યક્ત કરી છે કે કે દુશ્મન દેશ પાકિસ્તાન એલઓસી પર તણાવ વધારી શકે છે. તેમનુ કહેવુ છે કે, ઠંડીની ઋતુ શરુ થતાંની સાથે જ આંતરિક મુદ્દાઓથી ધ્યાન ભટકાવવા માટે પાકિસ્તાન દ્વારા એલઓસી પર તણાવ વધારવાની આશંકાથી ઇનકાર કરી શકાય એમ નથી.
લેફ્ટિનેન્ટ જનરલે કહ્યું કે, આ અંગેનો રિપોર્ટ દર્શાવે છે કે પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીરમાં આતંકી લોન્ચ પેડ પર 200થી 250 આતંકવાદીઓ ભારતમાં ઘૂસવાના ફિરાકમાં છે. સેના કમાન્ડરે એમ પણ જણાવ્યું કે, આતંકવાદીઓ દ્વારા ભારતમાં આતંક ફેલાવવાના અને એલઓસી પર પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામ ભંગ એમ બંને સ્થિતિઓ સામે ભારત તૈયાર છે અને એની સામે જડબાતોડ જવાબ આપીશું.