ભરૂચ સહિત ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસો સતત વધી રહ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા પણ કોરોનાના સંક્રમણને અટકાવવા પુરતા પગલા લેવામાં આવી રહ્યા છે. ત્યારે ભરુચ જિલ્લાના જંબુસર નગરમાં આવેલી અલ મહમૂદ જનરલ હોસ્પિટલને કોવીડ હોસ્પિટલની મંજૂરી આપવામાં આવી છે.
અલ મહમૂદ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત અલ મહમૂદ જનરલ હોસ્પિટલ ખાતે જિલ્લા આરોગ્ય તેમજ વહિવટી તંત્ર દ્વારા કોવીડ ૧૯ હોસ્પિટલ તરીકેની મંજૂરી મળતા પંથકના કોરોનાગ્રસ્ત દર્દીઓને રાહત મળશે. જંબુસર શહેરમાં વધતા જતા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યાને લઇ જનતામાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
તો બીજીબાજુ આરોગ્ય વિભાગ તેમજ વહિવટી તંત્ર ખડેપગે રહી સાવચેતીના પગલા લઈ જંબુસરમાં કોરોનાના સંક્રમણને અટકાવવા પ્રયત્નો કરી રહ્યું છે. હાલ જંબુસર નગરની પરિસ્થિતિને જોતાં જંબુસરના કોરોનાગ્રસ્ત દર્દીઓને અંકલેશ્વર તેમજ વડોદરા સારવાર માટે મોકલવામાં આવે છે. ત્યારે ત્યારે જંબુસરના ધારાસભ્ય સંજયભાઇ સોલંકી તથા મુફતી અહમદ દેવલવી જંબુસરના અગ્રણીઓએ તંત્રને રજૂઆત કરતાં જંબુસર અલ મહમૂદ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત અલ મહમૂદ જનરલ હોસ્પિટલને કોવીડ ૧૯ની મંજૂરી આપવામાં આવી છે.