ભારતીય વાયુસેનાનું એક ફાઈટર વિમાન પંજાબમાં દુર્ઘટનાગ્રસ્ત થયું છે. દુર્ઘટનાગ્રસ્ત થયેલ આ વિમાન મિગ-29 હોવાનું જાણવા મળ્યું છે. વાયુસેના અધિકારીઓના જણાવ્યા મુજબ પાયલટ સુરક્ષિત છે જોકે તે ઈજાગ્રસ્ત હોવાથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.
મિગ-29ના ક્રેશ થયાના અહેવાલ મળ્યા બાદ આસપાસના ગ્રામજનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ત્યારબાદ જિલ્લા અને પોલીસ પ્રશાસનના અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.
વાયુસેનાને સમગ્ર ઘટના અંગેની જાણકારી આપી દેવામાં આવતા વાયુસેનાના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. આ વિસ્તાર ભારત પાકિસ્તાનની સીમા પર સ્થિત છે અને પઠાનકોટ, આદમપુર સહિત ઘણા એરબેઝ આસ પાસ છે.
સામાન્ય રીતે ટ્રેનિંગ માટે મિગ-29નું સંચાલન થતું રહે છે. સંભાવના દર્શાવવામાં આવી રહી છે કે આજે પણ ટ્રેનિંગ વખતે મિગ-29માં ટેકનિકલ ખામી સર્જાયા બાદ પ્લેન ક્રેશ થઈ ગયું..જોકે હાલ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.