અમદાવાદમાં વધતા જતા પ્રદૂષણ રોકવા માટે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદમાં મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ, સવારે 8 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી ટ્રેક્ટર, ટ્રક કે ભારે વાહનોના શહેરમાં પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આરટીઓમાં કામકાજ માટે આવતા વાહનો માટે સવારે 10 થી 6 સુધી જ છૂટછાટ આપવામાં આવી છે. જાહેરનામા મુજબ, અમદાવાદમાં વધતા જતા પ્રદૂષણને અટકાવવા અને માર્ગ અકસ્માત નિવારવા માટે શહેરમાં આવતા ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવો જરૂરી છે.
જેથી લાઈટ મોટર વ્હીકલ એટલે કે ટ્રાન્સપોર્ટ વાહન કે જેનું કુલ વજન 7500 કિગ્રા સુધીનું થતુ હોય તેવા તમામ લાઈટ ગુડ્સ વ્હીકલ તથા તમામ લાઈટ પેસેન્જર વ્હીકલ શહેરની અંદર પ્રવેશ કરી શકશે, તે સિવાયના વ્હીકલને શહેરમાં અવરજવર કરવા પર સવારે 8 થી રાત્રે 9 વાગ્યા દરમિયાન પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. શહેરમાં પ્રવેશતા પેસેન્જર વાહનો, મિની બસ કે જેની કેપેસિટી 33 સીટ સુધીની હોય તેવી ક્ષમતાવાળા પેસન્જર વાહનો શહેરની અંદર પ્રવેશ કરી શકશે.