દીપિકા ખુમાણ, અમદાવાદ: રાજ્યમાં 24 કલાકમાં ચોમાસા (Monsoon 2022)નું વિધિવત આગમન થઈ જશે. બીજી તરફ પ્રી-મોન્સૂન (Pre-Monsoon) દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. આ જ કડીમાં રવિવારે સાંજે અમદાવાદના પણ અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. આ દરમિયાન અનેક વિસ્તારોમાં પાણી ભરાયાની ફરિયાદો પણ મળી છે. પૂર્વ અમદાવાદ હજુ ભારે વરસાદની સ્થિતિનો સામનો કરવા સજ્જ બની શક્યું નથી. કારણ કે હજુ અનેક વિસ્તારોમાં ખોદકામ, ગટરલાઇન, સ્ટ્રોમવોટર લાઇન, રોડ રિસરફેસ, ભૂવા પૂરવાની કામગીરી મંદ ગતિએ ચાલી રહી છે!સ્થિતિ એવી છે કે હવે તો શહેરીજનો પણ પૂછી રહ્યા છે કે આખુ વર્ષ મ્યુનિસિપલ તંત્ર ધ્યાન આપતું નથી અને વરસાદ સામે આવીને ઊભો છે ત્યારે સત્તાધીશોને વિવિધ કામ કરવાનું સાંભળે છે? હાલમાં જે કામો ચાલી રહ્યા છે
તે મહિનાઓ સુધી પૂરા થાય તેવું લાગી રહ્યું નથી. તેવામાં જો શહેરમાં એકથી વધારે ઇંચ વરસાદ પડી જાય તો પૂર્વના અનેક વિસ્તારોમાં ભારે અવ્યવસ્થા સર્જાઇ શકે છે.નિકોલ ચાર રસ્તા પર ખોદકામ : પૂર્વ વિસ્તાર નિકોલના શુકન ચાર રસ્તા પર આવા જ દ્રશ્યો જોવા મળે છે. અહીંથી પસાર થતા લોકોને હોસ્પિટલ જવું હોય, કે અન્ય કામથી બહાર બજવું હોય તો આજ રસ્તા પરથી પસાર થાય છે. છેલ્લા 6 મહિનાથી અહીંના લોકોને રોડની સુવિધા નથી મળી. જેનું કારણ ડ્રેનેજ લાઈનનું કામ છે. નિકોલમાં ડ્રેનેજ માટે આખે આખા રોડ ખોદી નાખવામાં આવ્યા છે. નવા રોડ બને એ પહેલા નિકોલ જંક્શનને પણ ખોદી નાખવામાં આવ્યું છે.