અમદાવાદ ક્રાઈમ બ્રાંચના PI ચેતન જાદવની બદલી કરાઈ છે. મળતી માહિતી અનુસાર, ચેતન જાદવ કોઈ બિલ્ડર સાથે મોટો તોડ કર્યો હોવાથી તેમની બદલી કરવામાં આવી છે. બિલ્ડરનો તોડ કર્યાના સમાચાર ગાંધીનગર સુધી પહોંચતા ત્યાંથી તાત્કાવિક તપાસ કરવામાં આવી હતી, જેમાં PI ચેતન જાદવની ભૂમિકા શંકાસ્પદ આવી હતી. જેથી ગાંધીનગરથી આદેશ આવ્યો હતો કે, આ PI ક્રાઈમ બ્રાંચમાં તેમજ અમદાવાદમાં પણ ન જોઈએ. તેથી તેમની તાત્કાલિક ધોરણે વડોદરા બદલી કરવામાં આવી છે. ચેતન જાદવની બદલી કર્યાના 15 દિવસ જેટલો સમય થયો હોવા છતાં ક્રાઈમબ્રાંચના અધિકારીઓએ આ વાતને છૂપી રાખી હતી.
તેમજ બદલી કરાયાનો કોઈ ઓફિશિયલ મેસેજ પણ મૂકાયો ન્હોતો. સૂત્રો અનુસાર, આ બદલી અંગે ક્રાઈમબ્રાંચના મોટાભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓને અજાણ રાખવામાં આવ્યા હતા. થોડા સમય પહેલા ગુજરાત ATSમાં ફરજ બજાવતા PI ચેતન જાદવની અમદાવાદ ક્રાઈમબ્રાંચમાં બદલી કરાઈ હતી. ત્યાર બાદ ચેતન જાદવ પાસે કોઈ કેસ હતો તેમાં બિલ્ડર સાથે સાઠગાંઠ કરી મોટો તોડ કર્યો હતો. ત્યારે આ અંગે ગાંધીનગર સુધી ફરિયાદ પહોંચી હતી. જેથી ગંભીર નોંધ લઈ ગુપ્ત રાહે ગાંધીનગરથી તપાસ કરાઈ હતી. જેમાં PI ચેતન જવાબદાર ઠેર્યા હતા. જેથી ગાંધીનગરથી ઓર્ડર આવતા PI ચેતન જાદવની તાત્કાલિક ધોરણે વડોદરા બદલી કરાઈ છે.