કૃષિ કાયદા મામલે ભાજપ અને કોંગ્રેસ બંને આમને સામને આવી ગયા છે. ભાજપ રાજ્યભરના ખેડૂતો માટે ગામડે ગામડે જઈને કૃષિ કાયદાની તરફેણ કરી રહ્યુ છે તો કોંગ્રેસે પણ ભાજપને ટક્કર આપવા અને તેમની આ યોજનાને નિષ્ફળ બનાવવા તારીખ 26 મીએ ચલો ખેતરે ચલો ગામડે કાર્યક્રમનું એલાન કરી દીધું છે.
આ દિવસે કૃષિ બિલની જાહેરમાં હોળી કરીને વિરોધ વ્યક્ત કરવાનો નિર્ણય ગુજરાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. જેને ગુજરાતનું રાજકારણ પણ ગરમાયુ છે. દિલ્હી ખાતે ચાલી રહેલ કૃષિ કાયદાના વિરોધના આંદોલનને ગુજરાતના ખેડૂતો પણ સમર્થન આપી રહ્યાં છે.
અત્યાર સુધી 500થી વધુ ખેડૂતો દિલ્હી બોર્ડર પહોંચ્યા છે અને આંદોલનમાં ભાગ લઇ રહ્યાં છે તે જોતાં ભાજપ સરકારની ચિંતા વધી છે.
ત્યારે કોંગ્રેસે ભાજપની ખાટલા પરિષદ સામે ચલો ખેતરે, ચલો ગામડે અભિયાનની જાહેરાત કરતા ભાજપની ચિંતામાં વધારો થયો છે. મહત્વનું છે કે હાલમાં જ ગુજરાત કોંગ્રેસે રાજ્યના વિવિધ જિલ્લા મથકોએ કોંગ્રેસના કાર્યકરોએ શહીદ ખેડૂતોને શ્રદ્ધાંજંલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજ્યો હતો અને કૃષિ કાયદાનો જોરદાર વિરોધ કરી ખેડૂત આંદોલનને સમર્થન આપ્યુ હતું.