ગુજરાતમાં કોરોનાનો કહેર ઓછુ થવાનું નામ જ નથી લઈ રહ્યો. દિવસેને દિવસે કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે 6 જુલાઈ સાંજથી 7 જુલાઈ સાંજ સુધીમાં વધુ 735 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસની સંખ્યા વધીને 36858 થઈ છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના કેસ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
(File Pic)
તો ગુજરાતમાં 24 કલાકમાં વધુ 17 દર્દીના કોરોનાથી મોત થયા છે.. આ સાથે જ રાજ્યમાં કુલ મૃત્યુઆંક વધીને 1962 થયો છે. જ્યારે 24 કલાકમાં 423 દર્દીઓની તબિયતમાં સુધારો થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આમ અત્યાર સુધી રાજ્યમાં કુલ 26323 દર્દીઓની તબિયતમાં સુધારો થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
રાજ્યમાં આજે નોંધાયેલ કેસોમાં સૌથી વધુ કેસ ફરી એકવાર સુરતમાં સામે આવ્યા છે. સુરતમાં 24 કલાકમાં 241 કેસ સામે આવ્યા છે. જ્યારે અમદાવાદમાં 183, વડોદરામાં 65 કેસ નોંધાયા છે. આ ઉપરાંત ભાવનગરમાં 35, બનાસકાંઠામાં 24, ગાંધીનગરમાં 17, રાજકોટમાં 21 કેસ નોંધાયા છે. જ્યારે ભરુચમાં 18, કચ્છમાં 11, વલસાડમાં 13, જુનાગઢમાં 15 કેસ નોંધાયા છે. તો નવસારીમાં 8, સુરેન્દ્રનગરમાં 5, મોરબીમાં 4 કેસ નોંધાયા છે. હાલ રાજ્યમાં કુલ 8573 એક્ટિવ કેસ છે. જેમાં 69 દર્દી વેન્ટિલેટર પર છે જ્યારે 8504 સ્ટેબલ છે.