નર્મદાની દેડિયાપાડા બેઠક પર ભાજપ, કોંગ્રેસ, આપ અને બીજેપી વચ્ચે કાંટે કી ટકકર થઇ રહી છે ત્યારે દેડિયાપાડામાં દેશના ગૃહમંત્રી અમિત શાહ બાદ રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવીની સભા યોજાઇ હતી. સેલંબામાં હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, દેડિયાપાડા વિધાનસભા બેઠક માટે ભાજપે સૌથી નાની વયનો ઉમેદવાર તમને આપ્યો છે.
એ જીતે તો સમજજો કે તમારો દીકરો જીતીને ધારાસભ્ય બન્યો છે. ગૃહમંત્રીએ કોંગ્રેસ, આપ અને બીટીપી ઉપર આકરા પ્રહારો કર્યા હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે, દેડિયાપાડા બેઠક પર કોંગ્રેસ અને હાલમાં બીટીપીનો કબજો રહેલો છે.
આ બેઠક અંકે કરવા માટે આપનો પ્રભાવ ઓછો કરવો ભાજપ માટે જરૂરી હોય તેના બંને ગૃહમંત્રીઓને મેદાનમાં ઉતારી દીધાં છે. થોડા દિવસ પહેલાં જ ગૃહમંત્રી અમિત શાહે સભા સંબોધી હતી જયારે હવે હર્ષ સંઘવીની સભા યોજાઇ છે. બીજી તરફ આ વિસ્તારમાં દીલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ સભાઓ ગજવી ચુકયાં છે.