કોરોનાના કપરા કાળમાં વચ્ચે પોલીસ હવે માસ્ક્ બાદ હેલ્મેટ ન પહેરનાર માટે આજથી દંડ વસૂલવામાં આવશે. રાજ્યના તમામ ટ્રાફિક પોલીસ સ્ટેશનને 9 સપ્ટેમ્બરથી આગામી કેટલાક દિવસો સુધી હેલ્મેટ ન પહેરતા વાહન ચાલકો સામે દંડ ફટકારવા માટે સ્પેશિયલ ડ્રાઇવ રાખવામાં આવી છે. રોડ સેફ્ટીની બેઠકમાં રાજ્યમાં માર્ગ અકસ્માતની ઘટનાઓમાં મોતને ભેટનાર લોકોએ હેલ્મેટ ન પહેર્યુ હોવાનું કારણ સામે આવ્યુ હતું.
ત્યારે હવે રાજ્યમાં ટ્રાફિક પોલીસ દ્વારા 9 સપ્ટેમ્બર એટલે કે આજથી સ્પેશિયલ ડ્રાઈવ શરુ કરવામાં આવી છે. જે અંતર્ગત હેલ્મેટ ન પહેરનાર વાહન ચાલકને 500 રૂપિયાનો દંડ ભરવો પડશે. મળતી માહિતી મુજબ, અમદાવાદ સહિત રાજ્યના વિવિધ શહેરોમાં બનતા અકસ્માતોની ઘટનામાં ટુ વ્હિલર ચાલકો હેલ્મેટ ન પહેરતા હોવાનું સામે આવી રહ્યું છે.
કોરોનાકાળમાં કાયદામાં આપેલી ઢીલ બાદ આ ઘટનામાં વધારો થયો છે. જેથી હવે સમગ્ર રાજ્યમાં આજથી ટ્રાફિક પોલીસે મેગા ડ્રાઈવ હાથ ધરી છે. જેમાં હેલ્મેટ ડ્રાઈવની દરરોજની કામગીરીનો અહેવાલ મોકલી દેવા સૂચના આપવામાં આવી છે. જેથી 9 સપ્ટેમ્બરથી હેલ્મેટ પહેર્યા વિના વાહન હંકારતા ટુ વ્હિલર ચાલકો પાસેથી મસમોટો દંડ વસૂલવામાં આવશે. આ ઉપરાંત ત્યારે અન્ય દંડની વાત કરીએ તો લાયસન્સ, વિમો અને પીયુસી જેવા દસ્તાવેજો ન હોય તો પ્રથમવાર રૂ.500 અને બીજીવાર રૂ.1000નો દંડ કરવામાં આવશે. જ્યારે કાચ પર ડાર્ક ફિલ્મ લગાવવા પર પ્રથમવાર રૂ.500 અને બીજીવાર રૂ.1000નો દંડ અને ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ કરવા પર પ્રથમવાર રૂ.500 અને બીજીવાર રૂ.1000નો દંડ ફટકારવામાં આવશે.