કેન્દ્ર સરકારની અનલોક-3ની ગાઈડલાઈન જાહેર કરાયા બાદ ગુજરાત સરકારે પણ ગાઈડલાઈન જાહેર કરી છે. મુખ્યમંત્રી વિજયઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં અનલોક-3 સંદર્ભમાં કેન્દ્ર સરકારે જાહેર કરેલી ગાઈડ લાઇન્સના અનુસંધાને ગુજરાત માટે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ બેઠકમાં લેવાયેલા નિર્ણયો અનુસાર મુખ્યમંત્રીએ રાજ્યમાં 1 ઓગસ્ટથી રાત્રી કર્ફ્યૂમાંથી સંપૂર્ણપણે મુક્તિ આપવાની જાહેરાત કરી છે.
(File Pic)
આ ઉપરાંત રાજ્યમાં દુકાનો 8 વાગ્યા સુધી તેમજ હોટલ રેસ્ટોરન્ટ રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા અને એસઓપી મુજબ રાજ્યમાં જીમ અને યોગ સેન્ટર 5મી ઓગસ્ટથી ખોલી શકાશે. મુખ્યમંત્રી રુપાણીની અધ્યક્ષતામાં મળેલ બેઠકમાં નિર્ણય લેવાયો છે કે આ સિવાયની અન્ય બાબતો માટે કેન્દ્ર સરકારની પ્રવર્તમાન ગાઈડ લાઇન્સને રાજ્ય સરકાર અનુસરશે. મહત્વનું છે કે, રાજ્યમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યુ છે.
(File Pic)
છેલ્લા ઘણા દિવસથી રાજ્યમાં કોરોનાના કેસો 1 હજારથી પણ વધુ નોંધાઈ રહ્યા છે અને હાલ રાજ્યમાં કોરોનાના કેસની સંખ્યા પણ 60 હજાર નજીક પહોંચી ગયા છે. તેવી સ્થિતિમાં અનલોક 3ની જાહેરાત બાદ સંક્રમણ વધવાની દહેશત પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.