પીએમ મોદીએ આજે એમ્સ હોસ્પિટલ ખાતે કોરોના વાયરસની વેક્સીન કોવેક્સીનનો પ્રથમ ડોઝ લીધો હતો. પીએમ મોદીએ ભારત બાયોટેકની કોવેક્સીન લઈને વિપક્ષ દ્વારા ઉભા કરવામાં આવેલ સવાલોને જવાબ આપ્યો છે. બીજીબાજુ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીના પત્નીએ પણ કોરોનાની રસી મુકાવી હતી.
મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલીબેન રૂપાણીએ પણ ગાંધીનગરના ભાટ ખાતે આવેલી એપોલો હોસ્પિટલ ખાતે કોરોના રસી લીધી હતી. અત્રે જણાવવાનું કે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા તમામ સિનિયર સિટીઝનને વેક્સિન લેવા માટેની અપીલ કરવામાં આવી હતી. ગુજરાતના 60 લાખ જેટલા વરિષ્ઠ વડીલોને આ રસીકરણ અભિયાનનો લાભ લેવા માટે અપીલ કરવામાં આવી છે.
મુખ્યમંત્રીના પત્ની અંજલીબેન સિનીયર સિટીઝન હોવાના કારણે ત્રીજા તબક્કામાં વેક્સીન લીધી હતી. સમગ્ર રાજ્યની 2195 જેટલી સરકારી હોસ્પિટલ, આરોગ્ય કેન્દ્રો તેમજ 536 જેટલી ખાનગી હોસ્પિટલ, દવાખાનાઓ મારફતે કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવશે. આ હેતુસર તાલીમબદ્ધ ડોક્ટર્સ અને પેરા મેડિકલ સ્ટાફ સહિત આશરે 30 હજાર જેટલા માનવબળની સેવાઓ ઉપલબ્ધ બનાવવામાં આવશે.