ઓસ્ટ્રેલિયા સામેની પહેલી ટેસ્ટ મેચમાં હારનો સામનો કરનાર ભારતીય ક્રિકેટ ટીમને ભારે ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે બીજી ટેસ્ટ મેચમાં મોટા ફેરફારની સાથે ટીમ ઈન્ડિયા મેદાને ઉતરશે. મળતી માહિતી મુજબ, વિરાટ કોહલીની આગેવાનીવાળી ટીમ ઈન્ડિયાને ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ પહેલી ટેસ્ટ મેચમાં શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. એડિલેડમાં રમાયેલી ડે નાઇટ મેચમાં ભારતને 8 વિકેટથી હાર મળી હતી.
હાલ હવે મહેમાન ટીમની નજર આગામી ત્રણ ટેસ્ટ જીતીને સીરીઝ પર કબજો જમાવવાની છે. પરંતુ આ પહેલા ટીમે ગુમાવેલો ઉત્સાહ ફરી મેળવવો પડશે અને તેના માટે ટીમને 26 ડિસેમ્બરથી મેલબર્નમાં શરૂ થનારી બોક્સિંગ ડે ટેસ્ટ મેચમાં જીત મેળવવી પડશે. તેના માટે ટીમ ઈન્ડિયામાં બીજી ટેસ્ટ માટે મોટા ફેરફાર જોવા મળી શકે છે.
જેમાં પહેલી ટેસ્ટની બીજી ઇનિંગમાં મોહમ્મદ શમી ઈજાગ્રસ્ત થઈ ગયો અને તેના સ્થાને બીજી ટેસ્ટમાં સિરાજને તક મળી શકે છે. ટીમમાં એક મોટો ફેરફાર શુભમન ગિલના રૂપમાં પણ જોવા મળી શકે છે. મૂળે ટેસ્ટ સીરીઝ શરૂ થતાં પહેલા ભારત-એ અને ઓસ્ટ્રેલિયા-એની વચ્ચે રમાયેલી બે અભ્યાસ મેચોમાં ગિલે પૃથ્વી શૉની તુલનામાં સારું પ્રદર્શન કર્યું હતું. તેમ છતાંય પહેલી ટેસ્ટમાં શૉને તક આપવામાં આવી હતી. જોકે, શૉ પણ આ તકનો લાભ ન લઈ શક્યો અને પહેલી ઇનિંગમાં 0 અને બીજી ઇનિંગમાં 4 રન જ કરી શક્યો. એવામાં બીજી ટેસ્ટમાં શૉના સ્થાને ગિલને તક મળી શકે છે.