રાજ્યસભાની ચૂંટણી બાદ ભાજપના સંગઠનમાં પણ મોટા પરિવર્તનનો દોર આવી શકે છે. ભાજપનાં પ્રદેશ પ્રમુખથી માંડીને સંગઠન ક્ષેત્રનાં તમામ મોટા પદ પર પરિવર્તનનો પવન ફૂંકાઇ શકે છે. હાલમાં ભાજપનાં પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી રાજ્યસભાની ચૂંટણીમાં પોતાનાં 3 ઉમેદવારો જીતે તે માટે ભરચક પ્રયાસો કરી રહ્યા છે.
સૂત્રોની વાત માનીએ તો પ્રદેશ બીજેપીના પ્રમુખ જીતુ વાઘાણીના અનુગામી તરીકે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયાનું નામ હોટ ફેવરિટ માનવામાં આવે છે. આ સિવાય અન્ય જે નામ ચર્ચામાં છે તેમાં પૂર્વ ગૃહ રાજય પ્રધાન રજની પટેલ , ઋષિકેશ પટેલ, પૂર્વ આરોગ્ય પ્રધાન શંકર ચૌધરીનું નામ પણ ચર્ચામાં છે.
રાજ્યસભાની 19 જૂનના રોજ ચૂંટણી યોજાવાની છે. ત્યારબાદ બીજેપીના કેન્દ્રીય નેતૃત્વ દ્વારા પ્રદેશ ભાજપના સુકાની નક્કી કરી દેવામાં આવનાર છે તેમ સૂત્રો કહી રહ્યા છે. પ્રદેશ બીજેપીના પ્રમુખ કોણ બનશે તેને લઈ સમગ્ર ગુજરાત બીજેપીના નેતાઓથી લઈ કાર્યકરોમાં આતુરતા જોવા મળી રહી છે. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, પૂર્વ ગૃહ રાજય પ્રધાન રજની પટેલ, વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલ ,પૂર્વ આરોગ્ય પ્રધાન શંકર ચૌધરી ,પૂર્વ પ્રધાન દિલીપ સંઘાણીને દાવેદાર માનવામાં આવે છે.